ઓનલાઇન શિક્ષણથી થતું નુકસાન અને આગામી બોર્ડ પરીક્ષાઓને ધ્યાને રાખી પ્રત્યક્ષ શિક્ષણને પ્રાથમિકતા આપવા માંગમોરબી: મોરબી જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆતને ધ્યાનમાં રાખીને મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા મોરબી જિલ્લા શિક્ષણાધિકારીને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ આવેદનપત્રમાં સમયસર શાળાઓ શરૂ કરી ઓફલાઈન એટલે કે પ્રત્યક્ષ શિક્ષણને પ્રાથમિકતા આપવાની પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે. આ રજૂઆતની નકલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણમંત્રી રીવાબા જાડેજાને પણ મોકલવામાં આવી છે.મંડળ દ્વારા રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓને અપાયેલા ઓનલાઈન શિક્ષણના કારણે થયેલી શૈક્ષણિક, માનસિક અને વ્યવહારિક ક્ષતિઓની સંપૂર્ણ ભરપાઈ આજદિન સુધી શક્ય બની નથી. લાંબા સમય સુધી શાળાઓ બંધ રહેતા વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યેની એકાગ્રતા, લેખન ક્ષમતા, સામાજિક સંવાદ અને શિસ્ત જેવા અનેક પાસાઓ પર અસર પડી હતી. ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓમાં મૂળભૂત શૈક્ષણિક કૌશલ્યોમાં ઘટાડો જોવા મળ્યો હતો. વધુમાં જણાવાયું છે કે, તે સમયે ઓનલાઈન શિક્ષણ માત્ર એક વિકલ્પરૂપ વ્યવસ્થા હતી. કોરોના કાળ દરમિયાન બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વગર માસ પ્રમોશનથી પાસ કરવામાં આવ્યા હતા. જેના પરિણામે આવા વિદ્યાર્થીઓને હવે ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ પછી વિષયની મૂળભૂત સમજણમાં મુશ્કેલીઓ પડી રહી છે. કોલેજ અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં આવા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક માહોલમાં ટકી રહેવા માટે વધારાના પ્રયાસો કરવા પડી રહ્યા છે, જે શિક્ષણની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.રાજ્ય સરકાર તેમજ CBSE બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી 2027 માં લેવામાં આવનાર પરીક્ષાઓ માટે શાળાઓ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં સમગ્ર અભ્યાસક્રમ પૂર્ણ કરવો એક મોટો પડકાર છે. તેમાં પણ જો શૈક્ષણિક સત્ર મોડું શરૂ થાય તો વિદ્યાર્થીઓ પર અભ્યાસનો વધારાનો બોજો આવે છે અને પુનરાવર્તન તેમજ પ્રેક્ટિસ માટે પૂરતો સમય મળતો નથી.તેથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, ગુણવત્તાસભર શિક્ષણ, શિસ્તબદ્ધ અભ્યાસક્રમ અને માનસિક સ્વસ્થતા માટે સમયસર શાળાઓ શરૂ કરી પ્રત્યક્ષ શિક્ષણને પ્રાથમિકતા આપવી અત્યંત જરૂરી બની ગઈ છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સર્વે હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી સમયબદ્ધ અને હિતકારી નિર્ણયો લેવા અપીલ કરી છે.#Morbi #MorbiUpdate #Education #SchoolReopening #OfflineEducation #MorbiSchools #DEOMorbi #GujaratEducation