તજજ્ઞ ડોક્ટરો, અધિક્ષક અને નર્સિંગ સ્ટાફ સહિતની જગ્યાઓ ખાલી હોવાથી આરોગ્ય સેવાઓ કથળી હોવાના આક્ષેપોમોરબી: મોરબી જિલ્લાના માળિયા મિયાણા સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાંબા સમયથી સ્ટાફની ભારે અછત હોવાને કારણે આરોગ્ય સેવાઓ કથળી રહી હોવાના આક્ષેપો કરાયા છે. હોસ્પિટલની મુલાકાત લેતા ગરીબ દર્દીઓ અને તેમના સ્વજનો દ્વારા યોગ્ય સારવાર ન મળતી હોવાની તેમજ લાંબી કતારોમાં કલાકો સુધી ઉભા રહેવું પડતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠાવવામાં આવી છે.હોસ્પિટલ દ્વારા પ્રાપ્ત થયેલ સત્તાવાર પત્રકની માહિતી મુજબ, અહીં સ્ટાફની સ્થિતિ ગંભીર છે. આ કેન્દ્રમાં કુલ મંજૂર થયેલી 46 જગ્યાઓમાંથી માત્ર 27 જગ્યાઓ પર જ સ્ટાફ કાર્યરત છે, જ્યારે 19 જેટલી મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે.વર્ગ-1 અને વર્ગ-2 ના તબીબોની જગ્યાઓ ખાલીહોસ્પિટલમાં તજજ્ઞ વર્ગ-1 ની કુલ 5 મંજૂર જગ્યાઓ સામે માત્ર 2 જ જગ્યાઓ ભરાયેલી છે અને 3 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત, અધિક્ષક વર્ગ-1 ની 1 જગ્યા, દંત સર્જન વર્ગ-2 ની 1 જગ્યા (જે મંજૂર થઈ ત્યારથી જ ખાલી છે) અને તબીબી અધિકારી વર્ગ-2 ની 3 મંજૂર જગ્યાઓમાંથી 1 જગ્યા ખાલી છે. જ્યારે જુનિયર ફાર્માસિસ્ટની પણ 1 જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે.નર્સિંગ અને વર્ગ-4 ના સ્ટાફની પણ અછતદર્દીઓની સીધી દેખરેખ રાખવા માટે મહત્વપૂર્ણ એવી હેડ નર્સ વર્ગ-3 ની 1 જગ્યા (બઢતી મળવાથી ખાલી) અને સ્ટાફ નર્સ વર્ગ-3 ની 8 માંથી 2 જગ્યાઓ ખાલી છે. આ સિવાય હોસ્પિટલની સ્વચ્છતા અને દૈનિક સંચાલન પર સીધી અસર કરતી જગ્યાઓ જેવી કે ડ્રાઈવરની 1 જગ્યા, વોર્ડ સર્વન્ટની 2 જગ્યા, વોર્ડ આયાની 3 જગ્યા અને સ્વીપરની 3 જગ્યાઓ લાંબા સમયથી ભરાઈ નથી.હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ ન હોવાને કારણે રોજબરોજ દર્દીઓની ભારે ભીડ જોવા મળે છે. હોસ્પિટલના કોરિડોરમાં સારવાર મેળવવા માટે ગરીબ દર્દીઓ લાંબી કતારોમાં પરેશાન હાલતમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. આટલી મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી હોવા છતાં તંત્ર દ્વારા નવી ભરતી કે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં ગંભીરતા દાખવવામાં ન આવતી હોવાનો રોષ સ્થાનિક લોકોમાં જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકાર વહેલી તકે આ ખાલી જગ્યાઓ ભરે જેથી લોકોને સમયસર યોગ્ય આરોગ્ય સુવિધા મળી રહે.#Morbi #MaliyaMiyana #MorbiNews #MorbiUpdate #HealthDepartment #CHC #HospitalStaffShortage #PublicHealth #GujaratGovernment