લોકો અત્યારથી જ એડવાન્સ બુકિંગ કરવા લાગ્યામોરબી : મોરબીમાં દર વર્ષે દિવાળીના પર્વ પર ઘણા લોકો પરિવાર કે મિત્રો સાથે યાત્રાધામ કે હરવા ફરવાના સ્થળોએ જઈને દિવાળીનો તહેવાર ઉજવે છે. આથી એસટી બસોમાં ભારે ધસારો રહે છે. ત્યારે હવે દિવાળી નજીક આવતા મોરબી એસટી તંત્રએ દિવાળીના ભારેખમ ટ્રાફિકને પહોંચી વળવા આગોતરો તમામ તૈયારી કરી લીધી છે. જેમાં મોરબી એસટી તંત્ર દ્વારા દિવાળી નિમિતે વધારાની 20 એસટી બસ દોડાવવામાં આવશે. જે - જે સ્થળોએ દિવાળીનો વધુ ટ્રાફિક રહેતો હોય એવા સ્થળોમાં અમદાવાદ, દાહોદ, ગોધરા, કવાંટ, બારીયા, છોટા ઉદેપુર, રાજકોટ, જામનગર સહિતના સ્થળોએ એસટી બસ દોડાવામાં આવશે.મોરબીમાં એસટી તંત્રએ દિવાળી સ્પેશિયલ ફળવેલી 20 એક્સ્ટ્રા બસ ટુક સમયમાં જ શરૂ કરાશે. જ્યારે લોકો અગાઉથી બસનું બુકિંગ કરાવવા લાગ્યા છે . જ્યારે દિવાળીને હવે થોડા દિવસોની વાર હોય એસટીમાં હમણાંથી ટ્રાફિક વધી ગયો છે. જેમાં ગત તા.30ના રોજ રૂ.4.50 લાખ, 31ના રોજ રૂ.4.44 લાખ, તા.1ના રોજ રૂ.5.72 લાખ, તા.2ના રોજ રૂ.4.62 લાખ, તા.3ના રોજ રૂ.4.99 લાખ જેવી એસટીને આવક થઈ છે અને હજુ દિવાળીના તહેવારો જેમ નજીક આવશે તેમ બસો ભરચકક રહેવાની હોય એસટી તંત્રને રોજ રૂ. 5 લાખની આવક થવાની શકયતા છે. દિવાળીમાં કોઈપણ વ્યક્તિને બહારગામ જવા માટે એસટીમાં કોઈપણ જાતની તકલીફ ન પડે તેની એસટી તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે અને ટ્રાફિક વધશે તો હજુ પણ વધારાની બસો દોડાવવા માટે એસટી તંત્ર તૈયાર છે. જ્યારે હાલ 50 એસટી બસો મોરબી ડેપોની હોય 44 જેટલા શેડુંયલમાં દરરોજના 20 હજાર કિમિમાં ચાલે છે. દિવાળીના તહેવારોમાં વધુ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને ટ્રાફિકને પહોંચી વળવા તંત્ર કટિબદ્ધ છે તેવું એસટી ડેપો મેનેજરે જણાવ્યું હતું.