એસટી સત્તાધીશોનો તાલિબાની આદેશ : મોરબી ડેપોની બસને ધક્કા મારતા વિડીયો વાયરલ થવા મામલે પહેલા બદલી, બાદમાં દંડ અને હવે નોકરીમાંથી પાણીચું હતાશામાં ગરક થયેલા એસટી બસના ચાલકની વ્હારે યુનિયનના અગ્રણીઓ પન્ન આવતા ઘરપરિવાર નોધારો બન્યો મોરબી : મોરબી એસટી ડેપોની ખખડધજ બસને ધક્કા મારતા હોય તેવો વિડીયો વાયરલ થયા બાદ મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપનાર એસટી બસના ડ્રાઇવર વિરુદ્ધ એસટી નિગમના રિવ્યૂઇંગ ઓથોરિટીના એન.એસ.પટેલે તાલિબાની શાસકોને પણ શરમાવે તેવો આદેશ કરી બસ ડ્રાઇવરને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરવા હુકમ કરતા નાના બાળબચ્ચાં ધરાવતા ડ્રાઇવર નોધારા બની ગયા છે. આશ્ચર્યની વાત તો એ છે કે નજીવી બાબત ગણી શકાય તેવા મુદ્દે આ ડ્રાઇવરની અગાઉ ગોંડલ બદલી કરી રૂપિયા 10 હજારનો દંડ કરી સંતોષ નહીં માનનાર એસટીના બાબુઓએ હવે નોકરી જ છીનવી લેવા હુકમ કરતા ચકચાર જાગી છે. એસટી બસના ડ્રાઇવર સામે થયેલા અન્યાયની વિગતો જોઈએ તો મોરબી એસટી ડેપોમાં રહેલી ભંગાર જેવી બસ મુસાફરો માટે જોખમી હોવાના અનેક બનાવો વચ્ચે થોડા સમય પૂર્વે બસને ધક્કા લગાવતા હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ને મીડિયા દ્વારા આ ઘટના અંગેના સમાચારો પ્રકાશિત કરતા લાજવાને બદલે ગાજવા લાગેલા મોરબી એસટી બસ ડેપોના સત્તાધીશોએ સમગ્ર ઘટનામાં અન્ય કોઈ બસ ડ્રાઇવર કે કન્ડક્ટરોને બદલે એક માત્ર બસ ડ્રાઇવર કે.એમ.ઝાલા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી મીડિયા સમક્ષ બોલવા બદલ ગોંડલ ડેપો ખાતે બદલી કરી રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો. મીડિયા સમક્ષ અનેક કર્મચારીઓ બોલ્યા હોવા છતાં રાગદ્વેષ પૂર્વક નાના - નાના બાળબચ્ચા ધરાવતા એસટી બસના ડ્રાઇવર કે.એમ.ઝાલાને કરવામાં આવેલી આટલી સજા પણ ઓછી હોય તેવું માની મોરબી એસટી ડેપોના મેનેજર ડી.આર.શામળાએ રિવ્યૂઇંગ ઓથોરિટી એસટી નિગમ સમક્ષ જાહેર માધ્યમોમાં નિગમની પ્રતિષ્ઠા ખોરવવા અંગે રિપોર્ટ કરતા દુધે ધોયેલા હોય તેવા એસ.એન.પટેલે નજીવી બાબત ગણી શકાય તેવી ઇન્ટરવ્યૂ આપવાની બાબતને અત ગંભીર ગણીને તાલિબાની શાસકો જેવો હુકમ કરી એસટી બસના ડ્રાઇવર કે.એમ. ઝાલાને નોકરીમાંથી બરતરફ કરવા હુકમ કર્યો છે. આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે અગાઉ મોરબીથી ગોંડલ બદલી કરવાની સજા, બાદમાં રૂપિયા 10 હજારનો દંડ અને હવે ઘરપરિવાર ઉપર આફત આવી પડે તેવો નોકરીમાંથી જ બરતરફ કરવાનો હુકમ કરાતા હાલ તો એસટી બસના ડ્રાઇવર કે.એમ.ઝાલા ઉપર આફત આવી પડી છે અને શાળામા ભણતા બે બાળકોને કેમ ભણાવવા અને ઘર કેમ ચલાવવું તેની ચિંતામાં હતાશ બન્યા છે ત્યારે એસટીના યુનિયનના કહેવાતા નેતાઓ પણ ચૂપ બની ગયા છે. નોંધનીય છે કે, નિગમના તાનાશાહ બાબુઓ સામે અગાઉ ડ્રાઇવર કે.એમ.ઝાલાએ આત્મવિલોપન કરવા પણ ચીમકી ઉચ્ચારી હતી ત્યારે આ નવી ઉપાધિ સામે તેઓ ભાંગી પડ્યા હોવાનું અંતમાં જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..