ગામના જાગૃત નાગરિકે બસમાં બ્રેક જ ન લાગતી હોવાની ફરિયાદ કરતા એસટી તંત્રનો ઉડાવ જવાબમોરબી : મોરબીમાં એસટી તંત્રનો વહીવટ એટલો કથળી ગયો છે કે રીપેરીંગના અભાવે દોડતી ભંગાર એસટી બસો અકસ્માત નોતરે તેવી દહેશત સર્જાય છે. આ ભંગાર એસટી બસો ક્યારે બંધ પડી જાય એ જ નક્કી નથી હોતું. જેમાં મોરબીના ચકમપર ગામે દોડતી બસ એટલી હદે ખરાબ છે કે મહિનામાં ત્રણ વખત અધવચ્ચે જ બંધ પડી જાય છે.મોરબીના ચકમપર ગામના જાગૃત નાગરિક અરવિંદભાઈ કાલરિયાએ જણાવ્યું હતું કે, મોરબી એસટી ડેપોની એક બસ મોરબીના ચકમપર સુધી દોડે છે. આ બસ રીપેરીંગ માંગતી હોવા છતાં એસટી તંત્ર આ ખરાબ બસ ચાલવ્યે જ રાખતા બસ અકસ્માત સર્જે તેવી ભીતિ સર્જાઈ છે. કારણે આ બસ મહિનામાં ત્રણ વખત અધવચ્ચે જ બંધ પડી જાય છે. તેથી મુસાફરી મુશ્કેલીમાં મુકાય જાય છે. આ બસની બ્રેક જ લાગતી નથી. એક વખત મહેન્દ્રનગર ચોકડી પાસે આ બસ ભટકાતા-ભટકાતા સહેજમાં બચી ગઈ છે. આ ખરાબ બસ અંગે ડેપો મેનેજરને ફોન કરીએ તો તેઓ સવાર-સવારમાં ફોન નહિ કરવાનો તેવું કહીને ઉડાવ જવાબ આપતા હોવાનો આક્ષેપ કર્યો છે. રાજકોટ એસટી તંત્રને પણ ફોન કરતા તેઓ પણ ફોન રિસીવ કરતા નથી. આથી આવી ખરાબ બસને કારણે મુસાફરોની સલામતી રામભરોસે થઈ ગઈ છે.