મોરબી : મોરબીના અગનેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્ત મંડળ દ્વારા તા. 29 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધીશ્રીરામ ચરિત માનસ કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો સમય બપોરના 2 થી 6 વાગ્યા સુધીનો રહેશે.રામચરિત માનસ કથા જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠે બાળ વિદુષી રત્નેશ્વરીબેન ગુરૂ ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ) બીરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ કથામાં વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે. જેમાં તા. 29ના બપોરના 3 કલાકે મેલડી માતાજીના મંદિર ખાતેથી સંગીતના સથવારે ભવ્ય પોથીયાત્રા નીકળશે. તેમજ અલગ-અલગ દિવસે શિવ વિવાહ, રામ પ્રાગટ્ય મહોત્સવ, રામ વિવાહ, ભરત મિલાપ, રામેશ્વર મહાદેવ સ્થાપના તેમજ રામ રાજ્યાભિષેક જેવા પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ સાથે તા. 8 માર્ચના મહાશિવરાત્રીના દિવસે કથાની પૂર્ણાહૂતિ થશે તેમજ બપોરના 12 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં મોરબીની ધર્મપ્રિય જનતાને ઉપસ્થિત રહેવા અગનેશ્વર મહાદેવ ભક્ત મંડળ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.