મોરબી : મોરબીના વજેપર ખાતે સમસ્ત સતવારા સમાજ દ્વારા કથાકાર જીજ્ઞેશભાઈ પંડ્યા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ રાત્રીના નામી અનામી કલાકારોના સંગાથે સંતવાણી, ભજન સહિતના કાર્યક્રમો યોજાશે. વજેપર રામજી મંદિર ચોકમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે જેમાં કથાકાર જીજ્ઞેશભાઈ પંડ્યા (ગોલ્ડ મેડાલિસ્ટ, કાશી) સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ ઉપરાંત દરરોજ રાત્રે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આજે તારીખ 10 એપ્રિલ ને સોમવારના રોજ ભજનીક રમેશભાઈ ગઢવી, પ્રભુભાઈ ભગત તથા ગોર ખીજડીયાવાળા ગ્રુપ ભજનની રમઝટ બોલાવશે. તારીખ 11 એપ્રિલ ને મંગળવારના રોજ નવદુર્ગા ધૂન-ભજન મંડળ વજેપર દ્વારા ધૂન-ભજન યોજાશે. 12 એપ્રિલ ને બુધવારના રોજ સંતવાણી કાર્યક્રમ યોજાશે જેમાં જૂનાગઢવાળા મુળુભાઈ મેર એન્ડ ગ્રુપ ઉપસ્થિત રહેશે. તારીખ 13 એપ્રિલ ને ગુરુવારના રોજ ધરમશીભાઈ હડીયલ ધૂન મંડળ- સામતાણીની વાડી દ્વારા ધૂનની રમઝટ બોલાવાશે. અને તારીખ 14 એપ્રિલ ને શુક્રવારના રોજ નીતિનભા ગઢવી તથા પ્રકાશભાઈ ચાવડા એન્ડ ગ્રુપ ઉપસ્થિત રહેશે.