મોરબી : પવિત્ર શ્રાવણ માસના આજના અંતિમ દિવસે મોરબી શહેર- જિલ્લાના તેમજ ગ્રામ્ય વિસ્તારના નાના-મોટા તમામ શિવાલયોમાં ભારે ભીડ ઉમટી પડી હતી. શ્રદ્ધાળુઓએ શ્રાવણ માસ દરમ્યાન રાખેલા ઉપવાસ-એકટાણાના આજે શિવાલયોમાં આયોજિત ભંડારમાં પ્રસાદ ગ્રહણ કરી પારણા કર્યા હતા. મોરબી શહેર સહિત જિલ્લાના તમામ શિવ મંદિરોમાં આજે શ્રાવણી અમાસ નિમિત્તે ભારે ભીડ જોવા મળી રહી છે. શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો, પૂજા-પાઠ તેમજ રુદ્રી સહિતના અનુષ્ઠાનો રાખવામાં આવ્યા છે. જેનો શિવ ભક્તો લાભ લઈ રહ્યા છે. રાફળેશ્વર મહાદેવ, શોભેશ્વર મહાદેવ, યગ્નેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, કુબેરનાથ મહાદેવ, જડેશ્વર, બિલિયા મહાદેવ, ભીમનાથ મહાદેવ સહિતના મંદિરોમાં આજે વહેલી સવારથી જ ભક્તો ઉમટી રહ્યા છે. શિવાલયોમાં ઠેર ઠેર ભંડારાના આયોજનો ચાલી રહ્યા છે. જેનો શિવભક્તો ભાવ પૂર્વક લાભ લઇ રહ્યા છે. શ્રાવણી અમાસના દિવસે લોકો પોતાના પિતૃઓને તર્પણ આપવા માટે પીપળે પાણી રેડે છે. જે જે શિવાલયોમાં પીપળા છે ત્યાં પિતૃ તર્પણ માટે લોકો આસ્થા પૂર્વક પીપળે પાણી રેડી પિતૃઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે.