(માર્ગી મહેતા) મલયાનીલોની પીંછી ને રંગ ફૂલોનાં લૈ, દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના! - મનોજ ખંડેરિયા વસંત, મને ખબર છે કે તારા આગમનને હજુ થોડા દિવસની વાર છે. પણ તારા આગમનના વધામણાં કરવાનું તો આજે વસંત પંચમીથી શરુ થઇ ગયું છે. જેના લીધે તું મનોમન હરખાતી ને મલકાતી હોઈશ નહિ? કે અન્ય ઋતુઓના નહિ પણ મારા વધામણાં કરવામાં આવે છે, મારા આગમનને પોંખવામાં આવે છે. સારું મન ભરીને હરખાય લે. પેલો પાનખર ના આવે ને ત્યાં સુધી! કેમ કે પળોમાં જીવી લેવાનું હોય છે દરેકે. સપનાઓમાં ખોવાઈને, આશાઓમાં સચવાઈને અને લાગણીઓમાં ભીંજાઈને. એટલે જીવનમાં પાનખર આવે ત્યારે એ પળોને ઝીલી શકવાની સાથે જીરવી પણ શકાય! પણ વસંત, જીવનમાં આવતી ક્ષણોને જીવવા અને જીરવવા માટે મારે તારી પાસેથી થોડા રંગો જોઈશે. માત્ર ગુલાબનો ગુલાબી, સૂરજમુખીનો પીળો કે કેસૂડાંનો લાલ નહિ. મને દુનિયાના તમામ રંગો જોઈશે. જેથી, જીવનના વિવિધ રંગોને જાણી સ્નેહ, સુખ અને સંતોષની રંગોળી રચી શકાય. અને ફૂલોના રંગોની સાથે તેની મહેક પણ સાથે આપીશ તો મને ગમશે. ફૂલોની ફોરમ સંબંધોને સતત મઘમઘતા રાખવાની યાદ અપાવશે. સાથે કોયલ અને મોરના ટહુકાઓ પણ લેતી આવજે ને. સ્વજનો પાસે બેસી અઢળક વાતો કરી તેમના અને મારા મનને હલકું કરવાની આદત પાડવા ટહુકાઓની જરૂર પડશે મારે. તેમની સાથે હળવાશની પળો ના માણી શકું તો કંઈ નહિ પણ તેમની ભારે ક્ષણોને થોડી હળવી કરી શકું તો એ ઘણું રહેશે મારે માટે. વસંત, તું જેમ પ્રકૃતિને હરીભરી બનાવે છે ને તેમ મારે પણ જીવનને હર્યું-ભર્યું બનાવવું છે. પણ કઈ રીતે? હા, એના માટે સકારાત્મક વિચારોનું ભંડોળ જોઈશે મારે. આમ તો ખાલી ભંડોળથી નહિ ચાલે. સારા વિચારોને કર્મના ખોળીયામાં પલટાવવા પડશે. તે માટે મારે તારી સાથે, પ્રકૃત્તિ સાથે, માનવજાત સાથે અને મારી જાત સાથે સમય વિતાવવો પડશે. તો કદાચ મારાપણાંથી આગળ વિસ્તરી શકીશ હું. તે માટે મારે સમાનતા પણ તારી પાસેથી શીખવી પડશે. વાતાવરણમાં તારું અસ્તિત્વ હોય ત્યારે ના તો બહુ ઠંડી હોય છે, ના તો બહુ તાપ હોય છે. ગુલાબી ઠંડી અને કુમળાં તાપના કારણે દિવસભર વાતાવરણ આહલાદ્ક હોવાના લીધે મન ખુશનુમા રહે છે. તેમ જીવનને ખુશનુમા રાખવા માટે લાગણીઓનું બેલેન્સ પણ જરૂરી છે. પ્રેમ-મોહ, રાગ-દ્વેષ, સુખ-દુઃખ કે આશા-નિરાશા વચ્ચે સમતોલન સાધવાની પ્રેરણા મારે તારી પાસેથી લેવી પડશે. આ બધું તું આપીશ ને મને? આમ પણ વસંતનો વૈભવ વખણાય છે કવિઓની કવિતાઓમાં, સાહિત્યની સરવાણીઓમાં. તો તારી પાસેથી થોડું માનવજાત લઇ લેશે તો કંઈ ખૂટશે નહિ તારામાં ઉલ્ટાનું તારો વૈભવ છલકાય જશે માનવતામાં પણ. અને પછી જિંદગીની સફરમાં પાનખર આવે ત્યારે જીવનની વસંતને ખૂબ જ માણી હોવાના સંતોષ સાથે હું પણ હરખાય અને મલકાઈ જઈશ, બિલકુલ તારી જેમ જ! ~ માર્ગી મહેતા