મોક ટેસ્ટ માટે ઉમેદવારો તા. 16 જાન્યુઆરીથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશેમોરબી : સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA) દ્વારા UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા-2026ના તાલીમ કાર્યક્રમ (બેચ 2025-26) અંતર્ગત પ્રિલિમિનરી પરીક્ષા માટે સાપ્તાહિક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોક ટેસ્ટમાં ભાગ લેવા માટે SPIPA - અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ અને મહેસાણા પ્રાદેશિક તાલીમ કેન્દ્રોમાં અગાઉ પ્રવેશ મેળવેલ હોય અને જેમણે પોતાની ડિપોઝિટ પરત મેળવેલ નથી, તેવા ઉમેદવારોએ તા. 16-01-2026થી કચેરી સમય દરમિયાન અસલ ડિપોઝિટ પહોંચ રજૂ કરીને સંબંધિત કેન્દ્ર પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુમાં, જે ઉમેદવારોએ અગાઉ ડિપોઝિટ પરત મેળવી લીધી છે અથવા જેઓ SPIPAના વર્તમાન તાલીમ કાર્યક્રમમાં જોડાયેલા નથી, તેવા બાહ્ય ઉમેદવારો પણ રૂ. 1000 રજીસ્ટ્રેશન ફી ભરીને આ મોક ટેસ્ટમાં ભાગ લઈ શકશે. ફી ભરવા માટે SPIPAની વેબસાઇટ પર ઉપલબ્ધ QR કોડ સ્કેન કરીને UPI દ્વારા ફી ચૂકવવાની રહેશે. ફી ભર્યા બાદ વેબસાઇટ પર આપેલ ગૂગલ ફોર્મ ભરવું ફરજિયાત છે. ઉમેદવારો ઉપર જણાવેલા કોઈપણ તાલીમ કેન્દ્ર પર મોક ટેસ્ટ આપી શકશે.