મોરબી પાલિકાની ગંદી નીતિને પાપે મોરબીની એન્ટ્રીમાં જ ગંદકીના ખડકલા : સિરામીક નગરીની છબી ખરડાઈ મોરબી : કોઈપણ શહેરની મુલાકાતે જાવ અને એ શહેરમાં પ્રવશો ત્યારે ફુલોથી મધધમતા ઉપવન અને લીલીછમ હરિયાળી અને સોળે કળા ખીલી ઉઠતી પ્રકૃતિ જોવાને બદલે નાક બંધ કરવું પડે અને માથું ભમી જાય તેવી ગંદકી જોવા મળે ત્યારે એ પ્રવાસીની હાલત કેવી થતી હશે ? સતત વિકસતા અને એક સમયે પેરિસ તરીકે ઓળખાતા મોરબીની નગરપાલિકા તંત્રએ પથારી ફેરવી નાખી છે. રાજકોટથી મોરબી શહેરમાં એન્ટર થાવ એટલે રીતસર ઉકરડો દેખાઈ, ગંદકી જ ગંદકી. આવી ગંદકી જોઈને બહારના લોકોના મનમાં એક ગ્રંથી બંધાય જાય કે ' નામ બડે ઔર દર્શન ખોટે'. મોરબી શહેર સીરામીક નગરી હોવા ઉપરાંત ઐતિહાસિક જાજરમાન વારસો પણ ધરાવતું હોય દેશ વિદેશના લોકો હરવા ફરવા કે બિઝનેશ અર્થે મોરબી આવે છે. એ લોકો મોરબી આવીને જુએ તો શું જુએ, ઘુળને ઢેફા, રાજકોટથી મોરબી એન્ટર થાવ ત્યારે ફુલોનો બગચો ક્યાંય જોવા ન મળે, મઘમઘી સુગંધને બદલે બદબુ જ સહન કરવી પડે જેનાથી માથું ભમી જાય. મોરબીના સમય ગેટ પાસે એટલી હદે કચરાના ગંજનો પથારો પડ્યો છે કે, એનું કદ દિન પ્રતિદિન વધતું જ જાય છે. કચરો કોણ ઉપાડે એ મોટો સવાલ છે. કારણ કે જેની જવાબદારી છે તે તંત્ર તો બેદરકારી અને આળસવૃત્તિથી ઘેરાયેલું છે. આથી મોરબીવાસીઓને તો કદાચ આ ગંદકી મજબૂરીને કારણે સહન કરવી પડે, પણ બહારથી આવતો માણસ તો એમ જ કહી ઉઠશે આ પેરિસ નથી, આ તો ગંદુ ગોબરુ શહેર છે. મોરબીના ચીફ ઓફિસર દ્વારા મોટા ઉપાડે કચરાના કોન્ટ્રાક્ટરની હકાલ પટ્ટી કરી તમામ કામગીરી તંત્ર હસ્તક લીધી છે પરંતુ મોરબી શહેરના મોટાભાગના વિસ્તારમાં તંત્ર કચરો ઉપાડવાની કામગીરી કરી શકતું નથી પરિણામે ચોતરફ ગંદકીના ગંજ ખડકાતા લોકોને જીવવું દુષ્કર બન્યું છે.