પોસ્ટ કર્મચારીએ પોસ્ટ ઓફિસમાં જ મહેફિલ માંડતા લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા : પોલીસ દોડી મોરબી : મોરબીની ભાગોળે આવેલા શકત શનાળા ગામની પોસ્ટ ઓફિસમાં પોસ્ટ વિભાગના કર્મચારીએ મધ્યરાત્રીએ બહારથી મહિલા બોલાવી શરાબ શબાબની મહેફિલ માંડતા તમાશાને તેડું ન હોય ઉક્તિ મુજબ લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા અને પોલીસને બોલાવતા પોલીસે મહિલા અને પુરુષ તેમજ તમાશામાં આવેલા અન્ય એક વ્યક્તિ પણ પીધેલો પકડાઈ જતા ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે, શનાળા પોસ્ટ ઓફિસમાં બનેલી આ ઘટનાએ હાલમાં ભારે ચકચાર જગાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શકત શનાળા આવેલી પોસ્ટ ઓફિસમાં ગતરાત્રીના સમયે મહિલા અને પુરુષ બિભિત્સ ચેનચાળા કરતા હોવાથી લોકો એકત્રિત થઇ જતા આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની પીસીઆર વાન બનાવ સ્થળે દોડી ગઈ હતી. વધુમાં પોલીસે શકત શનાળા પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટ વિભાગના કર્મચારી એવા આરોપી રાજેન્દ્રસિંહ ભુરૂભા જાડેજા અને આરતીબેન નામની મહિલાને ઝડપી લઈ નિર્લજ્જ ચેનચાળા કરવા મામલે આઇપીસી કલમ 110 તેમજ 117 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પોસ્ટ વિભાગના કર્મચારી એવા આરોપી રાજેન્દ્રસિંહ ભુરૂભા જાડેજાએ કેફી પીણું પીધું હોવાનું જણાઈ આવતા સીટી એ ડિવિઝન પોલીસે અલગથી ગુન્હો નોંધવાની સાથે બનાવ સ્થળે હાજર અન્ય એક આરોપી બચુભાઈ ગોવિંદભાઇ સોલંકી પણ કેફી પીણું પીધેલી હાલતમાં હોય બનાવ સ્થળેથી ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.