ગામડામાં બાંધકામ માટે તાલુકા પંચાયતના ઇજનેરનો અભિપ્રાય ભાજપ - કોંગ્રેસને નડતરરૂપમોરબી : મોરબી જિલ્લા પંચાયતના અગાઉના ડીડીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામ માટે તાલુકા પંચાયતના ઇજનેરનો અભિપ્રાય ફરજિયાત બનાવતો પરિપત્ર અમલી બનાવતા ભાજપ અને કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્યોને આ પરિપત્ર ખૂંચવા લાગતા અંતે ડીડીઓની બદલી બાદ આગામી તા.2જી જાન્યુઆરીએ આ પરિપત્ર રદ કરવા ખાસ સામાન્ય સભા બોલાવી છે.મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓ દ્વારા આગામી તા.2જી જાન્યુઆરીના રોજ બપોરે ખાસ સામાન્ય સભા બોલાવી છે જેમાં મુખ્યત્વે દસ દરખાસ્ત એજન્ડામાં સામેલ કરવામાં આવી છે. ખાસ સામાન્ય સભામાં સભ્યો દ્વારા કરવામાં આવેલ બાંધકામ મંજૂરી માટેના અગાઉના પરિપત્ર રદ કરવાનો મુખ્ય મુદ્દો સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રેતી રોયલ્ટી ગ્રાન્ટ,15મા નાણાં પંચના કામો સહિતની બાબતો પણ એજન્ડામાં સમાવવામાં આવી છે.નોંધનીય છે કે, તત્કાલીન ડીડીઓ જે.એસ.પ્રજાપતિએ ગ્રામ્ય વિસ્તારના ગેરકાયદેસર બાંધકામ ન થાય તે માટે રાજ્ય સરકારના પરિપત્ર અન્વયે ગામડામાં સંતુલિત વિકાસ અને નિયમબદ્ધ બાંધકામ થાય તે માટે તમામ ગ્રામ પંચાયતોને વિકાસ કામની મંજૂરી માટે તાલુકા પંચાયતના ઇજનેરનો અભિપ્રાય અને મંજૂરી ફરજિયાત કરી હતી. આ પરિપત્ર અમલી થતા ગ્રામ્ય કક્ષાએ ગેરકાયદે બાંધકામ અટકી પડતા ભાજપના સભ્યોએ વિરોધ કરી અગાઉ અનેક રજુઆત કરવાની સાથે સરપંચ એસોસિએશન દ્વારા પણ રજુઆત થઈ હતી.છતા પરિપત્ર રદ ન કરવામાં આવતા હવે હવે ઇન્ચાર્જ ડીડીઓ આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસે સંયુક્ત પણે આ પરિપત્ર રદ કરવા રજુઆત કરતા આ સામાન્ય સભા બોલાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.