મોરબી: મોરબી જિલ્લા પંચાયત કચેરીની પંચાયત શાખા દ્વારા આગામી તા. 10/11/2025 (સોમવાર) ના રોજ ખાસ સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક સવારે 12:00 કલાકે જિલ્લા પંચાયતના સભાખંડ (રૂમ નં. 19) માં યોજાશે, જેમાં વિવિધ મહત્ત્વના એજન્ડા પર ચર્ચા અને નિર્ણય લેવામાં આવશે.જેમાં સામાન્ય સભાની ગત બેઠકની કાર્યવાહીની નોંધ તેમજ ઠરાવોના અમલને બહાલી આપવામાં આવશે. ઉપરાંત, જિલ્લા પંચાયતની જુદી-જુદી સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને પણ બહાલી અપાશે. આ ઉપરાંત જૂના ઘાટીલાથી ટીકરને જોડતા રસ્તાને માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તક સોંપવા બાબતે નિર્ણય લેવાશે.વાંકાનેર તાલુકાના પાચીનીયર ઈન્ફાસ્ટ્રક્ચર, રાજકોટ ના 4 (ચાર) અને અન્ય એક કામ માટે ઉમિયા કન્સ્ટ્રકશન, હિંમતનગરની એજન્સીની KMD ડિપોઝીટ જપ્ત કરી, તેમને કામમાંથી છૂટા કરવા અને બ્લેકલીસ્ટ કરવા માટેની દરખાસ્ત પર વિચારણા થશે. આ કામોમાં રસ્તાના બાંધકામનો સમાવેશ થાય છે.જિલ્લા પંચાયત સ્વભંડોળ, રેતી રોયલ્ટી તેમજ 15મા નાણાપંચના જીલ્લા કક્ષાના 10% ફંડના રજૂ થયેલા કામોને સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી તેમજ હેતુફેરના કામોને બહાલી અપાશે. તેમજ 15મા નાણાપંચના જીલ્લા કક્ષાના 10% ની બચત રકમ અને વ્યાજની રકમના અન્ય યોજનામાં આયોજનને બહાલી આપવા બાબત ચર્ચા થશે. પ્રમુખની ગ્રાન્ટ અને જિલ્લા વિકાસ અધિકારીની ગ્રાન્ટના સૈદ્ધાંતિક તથા વહીવટી મંજૂરીના કામોને બહાલી આપવામાં આવશે. આ સાથે સદસ્યો તરફથી મળેલ અન્ય કોઈ પ્રસ્તાવ હોય તો તે પણ રજૂ કરી ચર્ચામાં લેવાશે. આ બેઠકમાં જિલ્લાના વિકાસલક્ષી કામો અને નાણાકીય આયોજન અંગે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવશે.