આ દિવસ ગરીબીમાં જીવતા લોકોની હિંમત અને તેમના રોજિંદા સંઘર્ષને ઉજાગર કરે છેસંયુક્ત રાષ્ટ્ર એ 22 ડિસેમ્બર, 1992ના રોજ આ દિવસની ઉજવણી કરવાની મંજૂરી આપેલી મોરબી : સમગ્ર વિશ્વમાં ગરીબી નાબૂદી માટે થતા પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 17 ઓક્ટોબરના રોજ વિશ્વ ગરીબી નાબૂદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા 22 ડિસેમ્બર, 1992ના રોજ આ દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ એ ગરીબી જેવી વૈશ્વિક સમસ્યા દૂર કરવા અંગે જાગૃતિ લાવવાનો દિવસ છે. આ દિવસે જરૂરિયાતમંદોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમો અને રેલીઓ યોજવામાં આવે છે. વર્લ્ડ બેંકના એક રિપોર્ટ અનુસાર કોવિડ-19 મહામારીએ લગભગ 88થી 115 મિલિયન લોકોને ગરીબી હેઠળ લાવ્યા છે. ગરીબી રેખા નીચે જીવતા મોટાભાગના લોકો બે પ્રદેશો દક્ષિણ એશિયા અને ઉપસહારા આફ્રિકાના છે. વર્ષ 2021માં UNDP અને OPHI દ્વારા બહાર પાડવામાં આવેલા 'વૈશ્વિક બહુપરીમાણીય ગરીબી સૂચકાંક’ અનુસાર વૈશ્વિક સ્તરે 1.3 અબજ લોકો બહુપરીમાણીય રીતે ગરીબ છે.ગરીબી એ વૈશ્વિક સમસ્યા છે, જેનો અંત લાવવા માટે વૈશ્વિક ધ્યાન આપવાની જરૂર છે. હકીકતમાં ગરીબી એ ભૂખમરો, પાયાની સુવિધાઓનો અભાવ અને હિંસા જેવા ભયંકર પરિણામો લાવે છે. સમગ્ર સમાજના સામૂહિક પ્રયાસો વગર ગરીબી દૂર કરવી અશક્ય છે. ત્યારે આ દિવસ ગરીબીમાં જીવતા લોકોની હિંમત અને તેમના રોજિંદા સંઘર્ષને ઉજાગર કરે છે. આ દિવસ ગરીબીમાં જીવતા લોકોના પ્રયત્નોને તેમની જરૂરિયાતો અને ચિંતાઓને લોકો સુધી પહોંચાડવાની તક આપે છે.આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસનો ઇતિહાસતા. 17 ઓક્ટોબર, 1987ના રોજ પેરિસના ટ્રોકાડેરો ખાતે અત્યંત ગરીબી, હિંસા અને ભૂખમરાનો ભોગ બનેલા એક લાખથી વધુ લોકો એકઠા થયા હતા. તેઓએ ગરીબીને માનવાધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું હતું અને સાથે મળીને આ પરિસ્થિતિનો ઉકેલ લાવવાની જરૂરિયાત દર્શાવી હતી. ત્યારબાદ 22 ડિસેમ્બર, 1992ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 17 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ તરીકે જાહેર કરાયો હતો.