ઓનલાઇન શોપિંગ વેબસાઈટ એમેઝોન ઝોન ઉપર વુડ એશના નામે વેચાય છે રાખ મોરબી : એક સમય હતો કે, આજના ડીશ વોસ, લીકવીડ ડીશ શોપ, સ્ક્રોચ બ્રાઇટની જગ્યાએ આપણા વડીલો ચૂલાની રાખ, નાળિયેરના છોતરા વડે વાસણ ઊટકતા હતા પરંતુ આધુનિકતા આવતા ચૂલાની રાખ ભૂતકાળ બની છે, જો કે ઓર્ગેનિક અને નેચરલ વસ્તુનો ફરી જમાનો આવતા ઓનલાઇન શોપિંગ વેબસાઈટ એમેઝોન ઝોન ઉપર વુડ એશના નામે રાખનો પણ વેપાર થવા લાગ્યો છે અને 1200 રૂપિયાના ભાવે વેચાતી રાખ લોકો ખરીદી પણ રહ્યા છે. ઓનલાઇન શોપિંગના આજના સમયમાં અનેક એવી ચીજો છે જે રૂપકડા નામે મોંઘા ભાવે વેચાઈ રહી છે. વિવિધ ઉપયોગમાં લેવાતા છાણા ઓનલાઇન કાઉ ડગના નામે મોંઘા ભાવે વેચાય છે તો નજીવા દરે દાંતને મજબૂત બનાવવા મળતા દાંતણ 100થી 150 રૂપિયાના ભાવે વેચાય રહ્યા છે ત્યારે એમેઝોન ઉપર હવે વુડ એશના નામે રાખ પણ વેચાઈ રહી છે જેનો કિલોગ્રામનો ભાવ 1200 રૂપિયા જેટલો છે. જો કે,એક સત્ય એ પણ છે કે, મફતમાં મળતી વસ્તુની કદર આપણને નથી હોતી પરંતુ આ જ ચીજ વસ્તુ રૂપકડા નામે પેકીંગમાં વેચાય તો આપણે મૂર્ખ બનીને આવી ચીજ આપણે હોંશભેર ખરીદી કરીએ છીએ.