ફેકટરીઓને 7 રૂપિયા સસ્તો ગેસ આપવા સીએનજીમા 3.50 અને ઘર વપરાશના પીએનજી ગેસના ભાવમાં 2.50 રૂપિયાનો ગુપચુપ ભાવ વધારો મોરબી : પાડાને વાંકે પખાલીને ડામ ઉક્તિ મુજબ ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગને સસ્તા ગેસનો લાભ આપવા રાજ્યભરના વાહન ચાલકો અને પાઇપલાઇન ગેસ ધરાવતી ગૃહિણીઓને આપવામાં આવતા સીએનજી અને પીએનજી ગેસના ભાવમાં રાતો રાત રૂપિયા 2.50થી લઈ 3.50 રૂપિયાનો ભાવ વધારો ઠોકી બેસાડ્યો છે. ઉદ્યોગ માટે ગુજરાત ગેસ કંપની દ્વારા ખાસ કિસ્સામાં પાઇપલાઇન ગેસ પૂરો પાડવા તમામ ક્લસ્ટરમા નેટર્વક બિછાવવામાં આવ્યું છે પરંતુ છેલ્લા એકાદ વર્ષ દરમિયાન નેચરલ ગેસના ભાવમાં અસામાન્ય ભાવ વધારો થયા બાદ મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગકારો દ્વારા નેચરલ ગેસના વિકલ્પે એલપીજી અને પ્રોપેન ગેસનો વપરાશ શરૂ કરવામાં આવતા હાલમાં ગુજરાત ગેસની માંગ તળિયે પહોંચી ગઇ છે. બીજી તરફ મોરબી સિરામિક ઉદ્યોગને મનામણા કરવા છેલ્લા એક અઠવાડિયા જેટલા સમયગાળામાં ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને એક ઝાટકે 15 રૂપિયા જેટલો ભાવ ધટાડો કરવામાં આવ્યો છે. જો કે આ ભાવ ઘટાડાની સામે ગુજરાત ગેસ કંપનીએ વાહનોમાં વપરાતા ગેસના ભાવમાં અંદાજે 3.50 રૂપિયા અને ઘર વપરાશના ગેસમાં અંદાજે 2.50 રૂપિયાનો ભાવ વધારો ચુપચાપ રીતે અમલી કરી લાખો લોકો ઉપર બોઝ નાખ્યો છે. આ ભાવ વધારા અંગે ગુજરાત ગેસ કંપનીના સતાવાર સુત્રોનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે, વાહનોના સીએનજી ગેસ અને ઘરવપરાશના ગેસનો ભાવ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી થાય છે અને ઇન્ડસ્ટ્રીઝ અને ઘરવપરાશના ગેસના ભાવ વધારાને કોઈ નિસબત ન હોવાનું જણાવ્યું હતું.