મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ પ્રાથમિક શાળા તેમજ જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારે જ્ઞાનજયોત વિદ્યાલયના એસ.પી.સી કેડેટ રાહુલભાઇ વિજયભાઇ સોલંકીને નવલખી રોડ ઉપરથી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન મળી આવતા તેણે તેમને તાલીમ આપતા બી ડિવિઝન પો.સ્ટે.ના ડિલ ઇન્સ્ટ્રકટર તુષારભાઇ કણઝરીયા તથા કાજલબેન કટકીયા જાદવને જાણ કરી ફોન જમા કરાવ્યો હતો. જે મોબાઇલ ફોનના માલિકની ખરાઇ કરી બી ડિવિઝન પોલીસ દ્વારા ફોનના મુળ માલિક હેમુભાઇ ભવાનભાઇ ચાવડા રહે. નવા જાંબુડીયા શક્તિપરા તા.જી.મોરબી વાળાને સોંપી આપેલ હતો.આમ મોરબી સીટી બી ડીવી પોલીસના ડ્રિલ ઇન્સ્ટ્રકટર તુષારભાઈ કણઝરીયા તથા કાજલબેન કટકીયા જાદવની યોગ્ય તાલીમ દ્રારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટ અન્વયે વિદ્યાર્થીઓમાં આદર્શ નાગરીક ભાવના પેદા થયાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ (એસ.પી.સી.) પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓ કાયદાનું સ્વેચ્છાએ પાલન કરે, કાયદાને આદર આપે યુવા પેઢીનું આદર્શ ઘડતર થાય અને તેઓમાં આદર્શ નાગરીક ભાવના પેદા કરવા તાલીમ આપવામાં આવે છે. જેમાં જે તે પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મચારીઓ તાલીમ માટે ફાળવવામાં આવે છે.