વાંકાનેર તાલુકા પોલીસે આરોપી પાસેથી રૂ 3.95 લાખની ઘરફોડનો મુદ્દામાલ રિકવર કર્યો વાંકાનેર : વાંકાનેરના વાલાસણ ગામે થોડા દિવસ પહેલા લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પણ એક બંધ મકાનમાં તસ્કરોએ શનિવારે ધોળા દિવસે ખાતર પાડીને રૂ.3.95 લાખની ઘરફોડ ચોરો કરી ગયા હતા.આ બનાવનો વાંકાનેર તાલુકા પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે આ બનાવમાં ફરિયાદીનો પુત્ર જ ચોર નીકળ્યો હતો. પોલીસની તપાસમાં પુત્રએ જ પિતાના ઘરમાંથી હાથફેરો કર્યો હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે આરોપી પુત્રને ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતો વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા ઇબ્રાહિમભાઈ ફતેમામદભાઈના મકાનમાં શનિવારે ધોળા દિવસે અજાણ્યો શખ્સ ત્રાટકયો હતો. જોકે તેઓ શનિવારે સવારે આઠ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી કોઈ કામે બહાર ગયા હોય એ સમય દરમિયાન તેમના બંધ રહેલા મકાનને અજાણ્યા શખ્સે નિશાન બનાવ્યું હતું અને તેમના બંધ મકાનના તાળા તોડીને અંદર પ્રવેશી ઘરના કબાટમાંથી રૂ.1.55 લાખ રોકડા તથા સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂ.3.95 લાખના મુદ્દામાલને ઉસેડી ગયા હતા. બાદમાં આ ચોરી થયાની જાણ થતાં મકાન માલિકે અજાણ્યા શખ્સ સામે ચોરીની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસે થોડા જ દિવસોમાં આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જેમાં પોલીસે શંકાના આધારે ફરિયાદીના દીકરા ફૈઝાન ઇબ્રાહિમભાઈની ઉલટ તપાસ કરતા તેને જ પોતાના ઘરમાં ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. ફરિયાદીને પુત્રએ જ ચોરી કર્યાની પોલીસની તપાસમાં કબૂલાત આપતા પોલીસે આરોપીઓ ગામની સીમમાં દાટેલો ચોરાવ મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો.