માતાએ રૂપિયા આપવાની ના પાડતા કળિયુગી પુત્રએ આચરેલું કૃત્ય મોરબી : મોરબીના શનાળા ગામે વૃદ્ધ માતા પિતા પાસે રૂપિયા માંગનાર પુત્રને રૂપિયા આપવાની ના પાડતા વૃદ્ધ માતાને દસ્તા વડે પુત્રએ માર મારતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વૃદ્ધ પિતાએ ફરિયાદ નોંધાવી હતી. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા શકત શનાળા ગામે દરબાર વાસમાં રહેતા મૂળ માળીયા તાલુકાના મોટી બરાર ગામના પ્રવિણસિંહ કેશુભા જાડેજા ઉ.72એ જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેમના પુત્ર ભગિરથસિંહ જાડેજા ઉ.36એ ઘેર તેમના પત્ની રંજનબા પાસે રૂપિયા માંગતા રંજનબાએ રૂપિયા આપવાની ના પાડતા આરોપી પુત્ર ભગીરથસિંહ એકદમ ઉશ્કેરાઈ જઈ રંજનબાને લોખંડના દસ્તા વડે માથામાં તેમજ હાથમાં ઇજાઓ પહોંચાડી શરીરે હાથ વડે માર મારી મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પ્રવિણસિંહ જાડેજાની ફરિયાદને આધારે તેમના પુત્ર ભગિરથસિંહ વિરુદ્ધ આઇપીસી કલમ 326, 323, 504 તેમજ જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.