જેતપર રોડનું કામ ચાલુ હોવાથી ગાળા રોડનો એક માત્ર રસ્તો ચાલુ હોય ત્યાં પણ ખનીજ માફિયાનો ત્રાસ મોરબી : મોરબી જિલ્લાના ખનીજ માફિયાઓને ભીંસ પડે ત્યારે મોરબી નેશનલ હાઇવે કે અંદરના રોડ રસ્તા ઉપર ગમે ત્યાં માટીના ઢગલા કરી નાખવાના સિલસીલા વચ્ચે ગઈકાલે ખનિજચોરો દ્વારા ગાળા ગામના નવા બનેલા પુલ ઉપર માટી ઠાલવી દેવામાં આવતા ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ ઉપર વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મોરબીના ગાળા ગામ નજીક આવેલી તેમજ જેતપર રોડ ઉપર આવેલી અનેક સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં આવાગમન માટે એક માત્ર ગાળા તરફનો રસ્તો મુખ્ય છે તેવા સંજોગોમાં ખનીજ માફિયાઓ દ્વારા ગાળા નજીક નવા બનેલા પુલ ઉપર માટીનો ઢગલો કરી દેવામાં આવતા નાના મોટા અનેક વાહનોને પસાર થવામાં મુશ્કેલી આવવાની સાથે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલમાં મોરબી જેતપર રોડ ઉપર ફોરલેનની કામગીરી ચાલુ હોવાથી મોટાભાગના વાહનો અને સિરામિક ઉદ્યોગકારો ગાળા તરફના રસ્તાનો જ મુખ્ય ઉપયોગ કરી રહ્યા છે તેવા સમયે જ ખનીજ ચોર દ્વારા કારસ્તાન કરી માટી ઠાલવી દેવામાં આવતા ગાળા, પાવડીયારી, જસમતગઢ ગામના લોકો ઉપરાંત સિરામિક ફેક્ટરીઓના વાહનોના આવાગમન ઉપર માઠી અસર પડી છે. આ સંજોગોમાં મોરબી પોલીસ અને ખાણખનીજ વિભાગ તેમજ આરટીઓ સંયુક્ત કામગીરી કરી આવા તત્વોને પદાર્થ પાઠ ભણાવે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.