સ્ટાફના ધ્યાનમાં પોટલું આવી જતા પ્લાન નિષ્ફળ નીવડ્યો : એ ડિવિઝનમાં ફરિયાદ અપાઈમોરબી : મોરબીની સબજેલમાં મોબાઈલ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓ ઘુસાડવા માટેનો પ્રયત્ન જેલ સ્ટાફની સતર્કતાના કારણે નિષ્ફળ ગયો છે. મહિલા પોલીસ સ્ટેશન વાળા રોડ પરથી જેલની અંદર ઘા કરવામાં આવેલ એક પોટલામાંથી મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ મળી આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, આજ રોજ સવારે જેલ ઓપનિંગ સમયે સિપાઈ દિનેશભાઈ આર. મીઠાપરા દ્વારા કોટપાળી રાઉન્ડ લઈ ચેક કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન યાર્ડ નંબર ૧ના જનરલ ટોયલેટ પાછળની સાઈડમાં કોટપાળીના ખૂણા પાસે (૧ નંબરની બેરેક પાસે) એક કાળા કલરનું પ્લાસ્ટિકનું ઝબલું પડેલું જોવા મળ્યું હતું. આ ઝબલામાં જેલ પ્રતિબંધિત ચીજવસ્તુઓ હોવાની શંકા જતા તરત જ હાજર ઇન્ચાર્જ જેલર અને અધિક્ષકને બોલાવીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ પોટલાને ખોલીને જોતા તેમાંથી ૪ નંગ તમાકુવાળા મસાલા, ૧ બીડીની જૂડી અને ૧ ચૂનાની ટોટી મળી આવી હતી. આ ઉપરાંત, પ્લાસ્ટિકની થેલીમાં સેલોટેપથી વીંટાળેલ અને અંદર રૂમાં રાખીને સુરક્ષિત કરાયેલ એક લાવા કંપનીનો કીપેડ મોબાઇલ ફોન (બેટરી સાથે, સિમ કાર્ડ વગરનો) પણ મળી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી સબ જેલમાં પોણા મહિના પહેલા પણ અમદાવાદથી આવેલી જડતી સ્ક્વોર્ડની તપાસમાં બેરેક નં. ૪ અને ૬ વચ્ચેના બાથરૂમમાંથી બે કીપેડ વાળા મોબાઈલ મળી આવ્યા હતા. જે અંગેની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એમ. કરકર ચલાવી રહ્યા છે. આ અગાઉના મોબાઈલ કોના હતા અને કોની સાથે વાત થતી હતી તે અંગેની વિગતો હજુ સામે આવી નથી, ત્યાં જ વધુ એક વખત જેલમાં મહિલા પોલીસ સ્ટેશન વાળા રોડ પરથી મોબાઈલ ઘુસાડવાનો પ્રયાસ થતા જેલ પ્રશાસન વધુ એલર્ટ બન્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiJail #CrimeNews #GujaratPolice #MorbiPolice #ContrabandSeized #JailSecurity