મોરબીના નવનિયુક્ત યુવા મેયર ઉત્તમ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા સહિતના હોદેદારોએ નવી કચેરીમાં પદભાર સંભાળ્યોમોરબી : મોરબી મહાનગરપાલિકાની નવી કચેરીમાં નવનિયુક્ત મેયર ઉત્તમ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરાએ પોતાની ચેમ્બરનું ઉદ્ઘાટન કરી પદભાર સંભાળ્યો છે. આ નવી કચેરીમાં પ્રવેશ અને પદગ્રહણ કાર્યક્રમમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપ પ્રભારી, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા અને મહામંત્રી નિર્મલભાઈ જારિયા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 26 વર્ષીય ગુજરાતના સૌથી યુવા મેયરે પારદર્શક વહીવટનો કોલ આપ્યોપોતાની નવી ચેમ્બરમાં ચાર્જ સંભાળ્યા બાદ વાતચીતમાં યુવા મેયર ઉત્તમ સુરાણીએ પોતાની પ્રાથમિકતાઓ વર્ણવી હતી. તેમણે રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઈટ જેવી લોકોની પ્રાથમિક જરૂરિયાતોને સૌથી વધુ મહત્વ આપવાની ખાતરી આપી હતી. પારદર્શક વહીવટ અને લોકો સાથે સીધા જોડાણ દ્વારા પ્રશ્નોના ઝડપી નિરાકરણનો તેમણે કોલ આપ્યો છે. આ જવાબદારી સોંપવા બદલ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય તમામ નેતાઓનો આભાર માન્યો હતો. મેયરે તમામ 52 કોર્પોરેટરો સાથે મળીને મોરબીના પ્રશ્નો હલ કરવાની નેમ વ્યક્ત કરી હતી. સાથે જ મોરબીની જનતા પણ શહેરને સ્વચ્છ, સુંદર અને વિકાસશીલ બનાવવા માટે તંત્રને પૂરતો સહકાર આપે તેવી તેમણે ખાસ અપીલ કરી હતી.આગામી 5 વર્ષમાં મોરબીની ઓળખ બદલવાનો ડેપ્યુટી મેયરનો સંકલ્પનવનિયુક્ત ડેપ્યુટી મેયર ચિરાગ અશ્વિનભાઈ રાણપરાએ પણ ચાર્જ સંભાળ્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી. 47 વર્ષીય ચિરાગ રાણપરા જ્વેલરી શોરૂમ ચલાવે છે અને વોલ ક્લોક તથા ગિફ્ટ આર્ટિકલની 2 ફેક્ટરીઓ ધરાવે છે. તેઓ છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા છે અને પ્રથમ વખત જ ચૂંટણી લડ્યા છે. તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયા, મહામંત્રી, પ્રભારી ગજેન્દ્ર, ધારાસભ્ય, સાંસદ સભ્ય, તમામ 51 સાથી કોર્પોરેટરો અને પોતાના વોર્ડના મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ચિરાગ રાણપરાએ જણાવ્યું હતું કે તમામ 52 સભ્યો સાથે મળીને મોરબીને સ્વચ્છ અને સુંદર બનાવવાની તેમની આશા છે. તેમણે આગામી 5 વર્ષમાં મોરબીની ઓળખ બદલાઈ જાય તેવા વિકાસના કામો કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.તમામ વોર્ડમાં ડ્રોપ બોક્સ મૂકી લોકોની ફરિયાદ અને રજૂઆતો મેળવાશે : સ્ટેન્ડિંગ ચેરમેનમોરબી મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયંતીલાલ પરસુંડિયાએ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. મોરબી તાલુકાના નાની વાવડી ગામના મૂળ વતની એવા જયંતીલાલ પરસુંડિયાએ ચાર્જ સંભાળતાની સાથે જ પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી હતી અને લોકોના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે એક નવી પહેલની જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે મોરબી મહાનગરપાલિકાના તમામ 13 વોર્ડમાં પાયાની જરૂરિયાતોના પ્રશ્નોને હરહંમેશ અગ્રતા આપવામાં આવશે. ગંભીર અને તાત્કાલિક જરૂરિયાતવાળા પ્રશ્નોનો ટૂંકા સમયમાં જ ઉકેલ લાવવાનો આગ્રહ રખાશે. લોકોની સુવિધા માટે એક નવતર પ્રયોગ તરીકે તમામ 13 વોર્ડમાં એક ડ્રોપ બોક્સ રાખવામાં આવશે, જેમાં નાગરિકો પોતાની કોઈપણ ફરિયાદ કે કામગીરીની રજૂઆત નાખી શકશે. દર મહિને આ ડ્રોપ બોક્સનો રિવ્યુ કરી પ્રશ્નોના નિરાકરણ માટેની ખાસ તૈયારીઓ કરવામાં આવશે. તેઓએ અંતમાં જણાવ્યું કે છેલ્લા 25 વર્ષથી મોરબી જિલ્લાના જાહેર જીવન અને સામાજિક કાર્યો સાથે સંકળાયેલા છે. તેઓ મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના ઉપપ્રમુખ અને સિદસર ઉમિયા માતાજી મંદિરના કારોબારી સભ્ય તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. આ અગાઉ તેઓ મોરબી તાલુકા પંચાયતના સદસ્ય, મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય, કારોબારી સમિતિના ચેરમેન અને મોરબી તાલુકા ભાજપ મહામંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.#MorbiUpdate #MorbiNews #MorbiMayor #UttamSurani #YouthMayor #BJP #GujaratPolitics #Morbi #YoungestMayor #MorbiCity #MorbiNagarPalika