સમગ્ર ગામ શોકમય બન્યું : ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરાઈ : અંતિમયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયાહળવદ : ધાંગધ્રા તાલુકાના નરાળી ગામના વતની વહાણભાઈ સવજીભાઈ મુલાળીયા (ઠાકોર) નામના જવાન જમ્મુ કાશ્મીરમાં ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા.જેવો શહીદ થયા છે.તેઓના પાર્થિવદેહને આજે પોતાના વતન ખાતે લાવીને અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.જેમાં વિસ્તારના અધિકારીઓ, નેતાઓ અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વહાણભાઈ ચાર મહિના પહેલા છુટ્ટીમાં પોતાના ઘરે આવ્યા હતા અને રજાઓ પૂરી કરી પોતાની ફરજ પર ગયા હતા.અને જમ્મુ કાશ્મીરના કુપવાળા વિસ્તારમાં ફરજ બજાવતા હતા.આ વખતે પરિવાર સાથે દિવાળી કરવા ઘરે નરાળી આવવાના હતા પરંતુ ગત તારીખ-17 ઓકટોબરના રોજ તેઓને સખત તાવ આવતા ઉધમપુર કમાન્ડર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.અને આ બાબતની જાણ તેઓના પરિવારને થતા તેઓના ભાઈ પણ જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતા ગત તા.23 ઓક્ટોબરના રોજ વહાણભાઈનું નિધન થયું હતું.ત્યારબાદ આજે તેમના પાર્થિવદેહને તેમના વતન નરાળી ખાતે લાવવામાં આવ્યો હતો અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી.વધુમાં મળતી માહિતી મુજબ વીર શહીદ વહાણભાઈ છેલ્લા 15 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા તેઓને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. હવે નિવૃત્તિમાં માત્ર થોડા જ મહિનાઓ બાકી હતા.ત્યારે આવો બનાવ બનતા તેમના ગામ સહિત સમગ્ર પંથકનું વાતાવરણ શોકમય બન્યું છે.