મોરબી: શહેરની સિવિલ હોસ્પિટલમાં મોરબી શહેર સહિત જિલ્લાના અન્ય તાલુકાઓમાંથી પણ દર્દીઓનો ઘસારો અવિરત ચાલી રહ્યો છે. ત્યારે દર્દીઓની સાથે આવતા તેમના પરિજનોને નાસ્તો, મિનરલ વોટર અને ભોજનની વ્યવસ્થા સામાજિક કાર્યકરો દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓના પરિજનો માટે રાજુભાઈ દવે, મુસાભાઈ, કમલેશભાઈ સહિતના સામાજિક કાર્યકરોની ટીમ દ્વારા છેલ્લા દસેક દિવસથી ચા, પાણી, નાસ્તાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. આ વ્યવસ્થામાં અસંખ્ય લોકોનો સાથ સહકાર પણ મળી રહ્યો છે. જેમકે વોટર બોટલ પેકેજીંગ કંપની દ્વારા પાણીની બોટલો પુરી પડાઈ રહી છે. મોડી રાત્રે જ્યારે બધી દુકાનો બંધ થઈ ગઈ હોય છે ત્યારે દર્દીઓ અને તેમના પરિજનોને ચા અને સૂકો નાસ્તો પૂરો પાડવામાં આવી રહ્યો છે. જયારે હવે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાના સહયોગ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ટિફિનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બપોરે તથા સાંજે દર્દીઓ અને તેમના પરિજનોને ટીફીન તેમજ જરૂરિયાતવાળા દર્દીઓ માટે ફ્રુટ જ્યુસની સેવા શરૂ કરાઇ છે. જરૂરિયાત વાળા દર્દીઓ અને તેમના સ્વજનોની સન્માનપૂર્વક જઠરાગ્નિ ઠારતા સામાજિક કાર્યકરોના પ્રયાસને લોકો બિરદાવી રહ્યા છે.