બાઈક ન આપવા મામલે ભાઈનું અપહરણ કરી 8000 રૂપિયા પડાવ્યા, બાદમાં ફરિયાદ ન કરવાનું કહી મોટા ભાઈ પર છરીથી હુમલો કરી મોબાઈલ લૂંટી ફરારમોરબી : મોરબીના વાજેપર વિસ્તારમાં શેરી નંબર 11 માં રહેતા સામાજિક કાર્યકર પર કેટલાક શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ શખ્સોએ પહેલા તેમના ભાઈનું બાઈક ન આપવા મામલે અપહરણ કરી માર માર્યો હતો અને ત્યારબાદ ફરિયાદ ન કરવાની ધમકી આપી યુવક પર પણ હુમલો કર્યો હતો.ભોગ બનનાર સામાજિક કાર્યકર જગદીશભાઈ બાંભણિયાએ જણાવ્યું હતું કે, તેઓ બેલા રોડ પર કામે હતા ત્યારે તેમના મિત્ર ફારૂકનો ફોન આવ્યો હતો કે કેટલાક શખ્સો તેમના ભાઈને મોટરસાયકલમાં બેસાડીને લઈ ગયા છે. આથી તેઓ તાત્કાલિક મોરબી પહોંચ્યા હતા અને તપાસ કરી હતી. હુમલાખોરોએ તેમના ભાઈ પાસે મોટરસાયકલ માંગ્યું હતું અને ન આપતા તેને મુંઢમાર મારી, તેનો મોબાઈલ લઈ લીધો હતો. આ ઉપરાંત હુમલાખોરોએ ભાઈને વધુ ન મારવા માટે તેના ખાતામાંથી 8000 રૂપિયા પણ ટ્રાન્સફર કરાવી લીધા હતા.ત્યારબાદ આ શખ્સો જગદીશભાઈના ઘરે આવ્યા હતા અને પોલીસ ફરિયાદ ન કરવા દબાણ કરી ગાળો બોલવા લાગ્યા હતા. જગદીશભાઈએ ભાઈને વાગ્યું હોવાથી સારવાર લેવાની વાત કરતા ઉશ્કેરાયેલા શખ્સોએ તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી પડખામાંથી છરી કાઢી હુમલો કર્યો હતો. જગદીશભાઈ જીવ બચાવવા ભાગતા પડી ગયા હતા, જ્યાં ઈરફાન અને ચશ્માવાળા અબુડી નામના શખ્સોએ તેમને પકડીને આડેધડ છરીના ઘા ઝીંક્યા હતા. હુમલામાં જગદીશભાઈને ખંભાના ભાગે, હાથમાં અને કેડની પાછળના ભાગે છરીના ઘા વાગ્યા છે અને ટાંકા આવ્યા છે.હુમલાખોરો જતા-જતા જગદીશભાઈનો મોબાઈલ પણ પોતાની સાથે લઈ ગયા હતા. ભોગ બનનારના જણાવ્યા અનુસાર, આ શખ્સોનો વિસ્તારમાં કાયમી ત્રાસ છે અને આજની તારીખમાં જ અન્ય 2 લોકો સાથે પણ તેમણે માથાકૂટ કરી હતી.#Morbi #MorbiUpdate #CrimeNews #KnifeAttack #MorbiPolice #Vajepar