ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ કમિશનર સ્વપ્નિલ ખરેને કરી લેખિત રજૂઆતમોરબી : ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ મોરબી મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર સ્વપ્નિલ ખરેને મોરબીની વિવિધ સમસ્યાઓ અને માગણીઓ અંગે લેખિત રજૂઆત કરીને ઝડપથી કાર્યવાહી કરવા માગ કરી છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, સમગ્ર ભારતમાં સૌથી વધુ સિરામિક ટાઈલ્સનું ઉત્પાદન કરી દેશને વિદેશ હુંડીયામણ કમાવી આપનાર તેમજ માતબર રકમનો ટેક્ષ ભરનાર મોરબી શહેરની જનતા વિવિધ સમસ્યાથીઓ ત્રસ્ત છે. ગુજરાત ભરમાં સૌથી વધુ ધૂળિયા શહેર તરીકે મોરબી પ્રખ્યાત છે તેવું લોકો કહી રહ્યા છે. ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે. પીવાના પાણીની પણ ઘણા વિસ્તારમાં સમસ્યા છે. રોડ રસ્તાની સ્થિતિ પણ ખરાબ હાલતમાં છે. મોરબીમાં ડામર રોડ તો ઠીક પરંતુ સિમેન્ટ કોન્ક્રેટ રોડ પણ બે વર્ષ થી વધારે ટકતા નથી. જે પ્રજાની બદનસીબી છે. તો શું આમાંથી પ્રજાને છુટકારો મળશે ? મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ પ્રજા માટે માથાનો દુઃખાવો બની છે. જન્મ-મરણના દાખલા કઢાવવા લોકોને લાઈનોમાં ઉભું રહેવું પડે છે. લોકોની ફરિયાદો સાંભળવાને બદલે નાટકો જ થાય છે.છેલ્લા ત્રીસ વર્ષમાં નગરપાલિકામાં ઘણી ગ્રાન્ટો આવી હશે પરંતુ મોરબી શહેરની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. રખડતા ઢોર પણ રસ્તા પર ફરી રહ્યા છે. રાજાશાહી વખતના પાંચ બગીચાનું આજે કોઈ અસ્તિત્વ નથી. ત્યારે તમામ સમસ્યાઓને લઈને મોરબીની પ્રજાને આપ કમિશનર પાસે ઘણી આશાઓ છે. ત્યારે મોરબીમાં વ્યવસ્થિત સફાઈ થાય, કાયદાનો કડક રીતે અમલવારી થાય, કર્મચારીઓ સારી રીતે કામ કરે અને લોકો પણ કાયદાના દાયરામાં રહે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. આપ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરીને મોરબીની જનતાને સારી સુવિધા આપો અને સમસ્યાઓમાંથી મુક્ત કરો તેવી લોકોની માગ છે.