ટંકારા : ટંકારા-મોરબી મુખ્ય હાઈવેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. રોડની હાલત મગરની પીઠ જેવી થઈ ગઈ છે. રસ્તા પર ગોઠણસમા ખાડાઓથી વાહનચાલકો અને મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાવડી ચોકડી, પીપળીયા ચોકડી, દલવાડી સર્કલ, શનાળા ચોકડી, લજાઈ ચોકડી અને ટંકારા ચોકડી પર ખાડાઓના કારણે વાહનોને ભારે નુકસાન, ટ્રાફિક જામ અને નાના-મોટા અકસ્માતોનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યાને લઈને ટંકારાના સામાજિક અગ્રણી મહેશ રાજકોટિયા મેદાને ઉતર્યા છે અને સરકારી તંત્રને ચેતવણી આપી છે.મહેશ રાજકોટિયાએ રાજકોટ ડિવિઝનના રોડના ઇન્ચાર્જ ઇજનેર એસ.આર. પટેલનો સંપર્ક કરી, માર્ગની ખરાબ હાલત અંગે વિગતે ચર્ચા કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત કરી કે, “આ રોડને એક અઠવાડિયામાં પેચવર્ક કરીને ચાલવા લાયક બનાવવો જોઈએ, નહીં તો ટીમ સાથે મળીને કચ્છને જોડતો આ મહત્વનો રાજકોટ-મોરબી હાઈવે ચક્કાજામ કરવામાં આવશે.” આ ચીમકીએ અધિકારીઓમાં ખળભળાટ મચાવી દીધો છે.આ અંગે એસ.આર. પટેલ સાથે વાત એમણે જણાવ્યું હતું કે, મહેશ રાજકોટિયાની રજૂઆત અમને પ્રાપ્ત થઈ છે. અમે તાત્કાલિક કોન્ટ્રાક્ટરને આદેશ આપ્યા છે કે એક અઠવાડિયામાં પેચવર્કનું કામ શરૂ કરી રોડને સુધારવામાં આવે. તેમણે વધુમાં ઉમેર્યું કે, “અમે આ મુદ્દે ગંભીર છીએ અને ઝડપથી કામગીરી શરૂ કરવા માટે પગલાં લઈ રહ્યા છીએ.