વિદ્યાર્થીઓને શિક્ષણ અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયુંમોરબી: હળવદ તાલુકાના કોયબા ગામ ખાતે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સામાજિક સમરસતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી સ્થિત સમાજ કલ્યાણ વિભાગ તથા મોરબી જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી યોજાયેલી આ શિબિરનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓમાં શિક્ષણનું મહત્વ ઉજાગર કરવો તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવાનો રહ્યો હતો.શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનવાના માર્ગો સમજાવવામાં આવ્યા હતા. સાથે જ સરકાર દ્વારા આપવામાં આવતી શૈક્ષણિક સહાય, સ્કોલરશીપ, હોસ્ટેલ સુવિધા સહિતની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સરળ અને સમજણભરી ભાષામાં સમજાવવામાં આવી, જેથી વિદ્યાર્થીઓ પોતાના અધિકારો અંગે વધુ સજાગ બની શકે.આ પ્રસંગે મોરબીથી નાયબ નિયામક, સમાજ કલ્યાણ વિભાગ અતુલભાઈ છાસીયા, મહિલાને બાળ કલ્યાણ વિભાગ અધિકારી મયુરભાઈ સોલંકી, સમાજ સુરક્ષા વિભાગનાં અધિકારી રંજનબેન મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓને સંબોધન કરતા શિક્ષણને જીવનનો મજબૂત પાયો ગણાવ્યો અને સરકારની વિવિધ યોજનાઓનો પુરેપુરો લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. સમાજમાં સમરસતા, સમાનતા અને અધિકાર અંગે જાગૃતિ લાવતી આ શિબિર વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સાબિત થશે તેવી આશા ઉપસ્થિત મહાનુભાવોએ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા તકેદારી સદસ્ય નરેન્દ્રભાઈ સોલંકી અને સામાજિક આગેવાન લલિતભાઈ સોલંકીની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી