તાત્કાલિક રખડતા શ્વાનોને પકડવા ટીમની નિમણૂક કરવા, જરૂરી સાધનો અને વાહનો ઉપલબ્ધ કરાવવા સામાજિક કાર્યકરોની માંગ મોરબી: મોરબી મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ થયા છતાં રખડતા શ્વાનોને પકડવા માટે વાહન કે પૂરતા સ્ટાફની વ્યવસ્થા ન હોવા અંગે સામાજિક કાર્યકરોએ કમિશનરને ગંભીર રજૂઆત કરી છે. સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, અને ગીરીશભાઈ કોટેચા સહિતનાઓએ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જો ગાયો અને ખૂંટિયાઓને પકડવા માટે વાહનો હોય તો શ્વાનોને પકડવા માટે વિશેષ ગાડી કેમ નથી?રજૂઆત મુજબ, મોરબી શહેરમાં રખડતા શ્વાનોના આતંકને કારણે ડોગ બાઇટના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. વર્ષ 2025 દરમિયાન 4579 ડોગ બાઇટના કેસ નોંધાયા હતા, જ્યારે સમગ્ર વર્ષમાં આશરે 6000થી વધુ બચકા ભરવાના કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળે છે. વધુમાં, વર્ષ 2026ના માત્ર આઠ-દસ દિવસમાં જ 250 જેટલા ડોગ બાઇટના કેસ નોંધાયા છે. મહાનગરપાલિકાની અંદરના ગ્રાઉન્ડમાં પણ શ્વાનો આટાફેરા કરતા હોવા છતાં કમિશનરને આની જાણ નથી તેવા સવાલો કર્યા છે. રજૂઆતમાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ શ્વાનોના આતંકને અંકુશમાં લેવા માટે રાજ્ય સરકારોને જરૂરી પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી છે, તેમ છતાં મોરબી મહાપાલિકા દ્વારા આ બાબતે કોઈ અસરકારક કામગીરી થતી નથી. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પણ રખડતા શ્વાનોને પકડવા માટે સ્ટાફ અને સાધનોનો અભાવ યથાવત છે. મહાનગરપાલિકાએ એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણીમાં લાખો રૂપિયા ખર્ચ્યા, પરંતુ લોકોની જીવ સલામતી માટે જરૂરી એવા શ્વાનોને પકડવા માટે સ્ટાફ, સાધનો અને વાહનો પૂરા પાડવામાં તે નિષ્ફળ રહી છે.સામાજિક કાર્યકરોએ કમિશનરને તાત્કાલિક અસરથી રખડતા શ્વાનો પકડવા માટે ખાસ ટીમની નિમણૂક કરવા, જરૂરી સાધનો, વાહનો અને પ્રશિક્ષિત સ્ટાફ ઉપલબ્ધ કરાવવા માંગણી કરી છે. નાના બાળકો અને વૃદ્ધોને શ્વાનો બચકા ભરે છે અને હોસ્પિટલમાં આવા કેસો સતત વધી રહ્યા છે. આ ઉપરાંત, શહેરમાં વ્યાપક વેક્સિનેશન અને સ્ટરિલાઇઝેશન ડ્રાઇવ શરૂ કરવા તેમજ વધતા કેસોને ધ્યાનમાં રાખીને ખાસ કંટ્રોલ રૂમ અને ફરિયાદ વ્યવસ્થા ઊભી કરવા વિનંતી કરવામાં આવી છે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ગંભીર ઘટનાઓ સર્જાશે, જેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાની રહેશે, તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.