મોરબી: મોરબી શહેરના બે મુખ્ય અંતિમધામો – વીસીપરા વિસ્તારનું કૈલાશધામ અને લીલાપર રોડ પરનું મુક્તિધામની હાલત સંપૂર્ણપણે ખંડેર જેવી બની ગઈ હોવાથી સ્થાનિક સામાજિક કાર્યકરો અને જનતામાં તંત્ર પ્રત્યે ભારે આક્રોશ ફેલાયો છે. સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, ગીરીશભાઈ કોટેચા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ સહિત અન્ય અગ્રણીઓએ કલેક્ટર, પાંજરાપોળ સંચાલક, અને મોરબીના ધારાસભ્ય તથા શ્રમ અને રોજગાર મંત્રી કાન્તીભાઈ અમૃતિયાને ઉદ્દેશીને આ અંગે લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવ્યું છે કે બંને સ્મશાનગૃહોમાં માનવ સન્માનને યોગ્ય અંતિમ સંસ્કારની સુવિધાઓનો સદંતર અભાવ છે. અગ્નિદાન માટેના ખાટલા તૂટી પડ્યા છે. શેડ, દિવાલો અને છત તૂટી પડવાની સ્થિતિમાં છે, જેના કારણે વરસાદમાં લાકડાં પલળી જાય છે.બેઠકો, ઠાઠળીઓ અને છાંયાની સગવડ નથી. પીવાનું પાણી મળતું નથી. તેમજ સંડાસ-બાથરૂમના દરવાજા તૂટેલા છે અને ત્યાં પાણીની સગવડ પણ નથી. સમગ્ર સ્મશાન વિસ્તાર જોખમી હાલતમાં છે. લીલાપર રોડના મુક્તિધામમાં સ્થાપિત શંકર ભગવાનની પ્રતિમા પણ ખંડિત હાલતમાં હોવાનું જણાવી શરમજનક સ્થિતિ હોવાનું જણાવાયું છે.સામાજિક કાર્યકરોએ મોરબી-માળિયા મત વિસ્તારના મંત્રી હોવા છતાં સ્મશાનની આ દુર્દશા અંગે તંત્રની ઉદાસીનતા સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કૈલાશધામ અને મુક્તિધામનું તાત્કાલિક ધોરણે સંપૂર્ણ રિનોવેશન કરવાની અને માનવ સન્માન જળવાય તેવી સુવિધાઓ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. જો આ કામગીરી ત્વરિત શરૂ નહીં કરવામાં આવે, તો સામાજિક કાર્યકરો અને આમ જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.