પુલની દિવાલો પર જાળી અથવા પતરા લગાવવા તથા પારાપેટ ઊંચી કરવા કમિશનર અને કલેક્ટર સમક્ષ માંગમોરબી: મોરબી શહેરમાં મચ્છુ-૩ ડેમ પર આવેલા જૂના આર.ટી.ઓ. ઓફિસ પાસેના પુલ પર આપઘાતના બનાવો અટકાવવા માટે મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ અને ગીરીશભાઈ છબીલભાઈ કોટેચાએ કમિશનર અને કલેક્ટરને એક અરજી કરી છે. આ અરજીમાં, પુલની દિવાલો પર જાળી અથવા પતરા લગાવવા અપીલ કરવામાં આવી છે જેથી લોકોના જીવ બચાવી શકાય.સામાજિક કાર્યકરો જણાવ્યું છે કે, આ પુલ પર અવારનવાર થતા આપઘાતના બનાવો સમાજ માટે ચિંતાજનક છે. આ ઘટનાઓને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, જેનાથી અનેક મહિલાઓ વિધવા બની છે અને બાળકો પિતાની છત્રછાયા ગુમાવે છે. કાર્યકરોએ દલીલ કરી છે કે, જો મહાનગરપાલિકા નાળાઓ પર પતરા મૂકી શકતી હોય, તો ડેમની પારાપેટ પર પણ પતરા અથવા લોખંડની જાળી ગોઠવી શકાય છે. આવું કરવાથી અનેક નિર્દોષ લોકોના જીવ બચશે અને આ મોંઘેરો માનવ અવતાર બરબાદ થતો અટકાવી શકાશે.રાજુભાઈ દવેએ ખાસ કરીને કમિશનરને વિનંતી કરી છે કે ડેમની પારાપેટની ઊંચાઈ વધારવામાં આવે અથવા એવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી કોઈ પણ વ્યક્તિ સરળતાથી આપઘાત ન કરી શકે. સામાજિક કાર્યકરોએ કમિશનર અને કલેક્ટરને વિનંતી કરી છે કે, આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે. મોરબીના જનજીવનની સુરક્ષા માટે આ પ્રકારની વ્યવસ્થા અત્યંત જરૂરી છે. તેથી તાત્કાલિક ધોરણ એક ઘટના રોકવા અને પાળાપેટ ઊંચી કરવા સામાજિક કાર્યકરો તથા જનતાની માંગ છે.