મોરબી: મોરબી શહેરની જીવાદોરી સમાન મચ્છુ નદી હાલ તંત્રની ઉદાસીનતાને કારણે દયનીય સ્થિતિમાં મુકાઈ છે. છેલ્લા એક વર્ષથી નદીમાં જામી ગયેલી ગાંડી વેલની સફાઈ કરવામાં ન આવતા સ્થાનિક સામાજિક કાર્યકરો અને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે કલેક્ટર અને મહાનગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા અને ગિરીશભાઈ કોટેચા સહિતના અગ્રણીઓએ જણાવ્યું છે કે, મચ્છુ-૧, ૨ અને ૩ તેમજ ઝૂલતા પુલ પાસે નદીમાં વેલોનું જાળ બિછવાયેલું છે. જો ભવિષ્યમાં કોઈ અકસ્માત સર્જાય, તો આ વેલોને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી શકે છે. અગાઉની દુર્ઘટનાઓનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, ફાયર બ્રિગેડને મૃતદેહો કે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં પણ મોટો અવરોધ બને છે.નદીની સફાઈના અભાવે તેમજ મૃત પશુઓ નદીમાં ફેંકવામાં આવતા પાણી અત્યંત દૂષિત બન્યું છે, જેનાથી પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે. નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મોરબી મુલાકાત દરમિયાન મચ્છુ નદીને વિસ્તૃત કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી નક્કર કામગીરી દેખાતી નથી. ત્યારે સામાજિક કાર્યકરોએ જણાવ્યું છે કે જો તાત્કાલિક ધોરણે ગાંડી વેલ દૂર કરી નદીને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવામાં નહીં આવે, તો આગામી સમયમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે.