મોરબી : મોરબીના ફરવાલાયક સ્થળ એવા મયુર ચોપાટી ખાતે લોકોને બેસવા માટેના બાકડા મૂકવા માટે સામાજિક કાર્યકરો દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા, ગીરીશભાઈ કોટેચાએ લેખિતમાં રજૂઆત કરીને જણાવ્યું છે કે, મયુર પુલ પર લોકો બેસવા આવે છે. જ્યાં ઘણા લોકોને નીચે બેસવું પડે છે. તો આ સ્થળે વધુ બાકડા મૂકવામાં આવે તેવી પ્રજાજનોની માગ છે. પીકનીક સેન્ટર શોભેશ્વર રોડ પર આવેલ છે તે હાલ ખંઢેર હાલતમાં હોય આવારા તત્વોએ અડીંગો જમાવી દીધો છે. આ પિકનિક સેન્ટરના રિનોવેશન માટે કમિશનરને વિનંતી કરવામાં આવી છે. ત્યાં વોટર પાર્કની સુવિધા પણ ઉભી થઈ શકે તેમ છે. સાથે જ વૃક્ષારોપણ કરવામાં આવે. આ ઉપરાંત દરબારગઢ, સરકારી હોસ્પિટલ પાસે, સરદાર વલ્લભભાઈ પટેલના પૂતળા પાસે, મુયર પુલ પાસે તથા મોરબીમાં અનેક જગ્યાએ તથા સર્કલ પર ફુંવારા ચાલુ કરવામાં આવે તેવી પણ માગ કરાઈ છે.