મોરબીના ભડીયાદ ગામે ઘરથાળ પ્લોટ ન ફાળવાતા કલેક્ટરને રજૂઆતમોરબી : મોરબી તાલુકાના ભડીયાદ ગામના આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો માટે વર્ષ 2010માં 34 મફત ઘરથાળ પ્લોટ મંજૂર થયા હતા પરંતુ 14 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ પ્લોટ ફાળવવામાં ન આવ્યા હોય સામાજિક કાર્યકર અનિલભાઈ અંબાલીયાએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.સાથે જ જો 15 દિવસમાં પ્લોટ ફાળવવામાં અહીં આવે તો જિલ્લા સેવા સદનમાં મકાન ચણી લેવાની ચીમકી ઉછરી હતી.અનિલભાઈ અંબાલીયાએ જણાવ્યું છે કે, ઘરથાળના પ્લોટ ફાળવવા માટે વારંવાર લાગતી વળગતી કચેરીને અરજીઓ કરી છે. તેમજ અનેક વખત પ્રતીક ઉપવાસ પણ કરેલ છે. તાલુકા વિકાસ અધિકારીના લેખિત જવાબ મુજબ ભડીયાદ ગ્રામ પંચાયત પાસે 100 ચો.વાર ઘરથાળના પ્લોટ આપવા માટે ગામતળ છે નહીં અને જે ગામતળ છે તે જાહેર હરરાજીથી નિકાલ કરવા માટે છે અને પ્રાંત અધિકારી ગામતળ નમુના હેઠળ શરત નં-8માં સુધારો કરી આપે તો પ્લોટ ફાળવણી કરી શકાય તેમ છે.આ માટે ગત તારીખ 2 ફેબ્રુઆરીના રોજ પ્રાંત અધિકારીને અરજી કરાઈ હતી. તેથી જો ભડિયાદ ગામતળ જે જાહેર હરરાજીથી વેચવાના છે તેમાં સુધારો કરીને 100 ચો.વાર મફત ઘરથાળ માટે ફેરબદલી કરી આપે તો 100 ટકા આર્થિક અને સામાજિક જરૂરિયાતમંદ લોકોને પ્લોટ મળી જાય તેમ છે. તેથી પ્રાંત અધિકારીને ગામતળ નમુના શરત નંબર-8માં સુધારો કરી હુકમ કરવા જણાવાયું છે જો 15 દિવસમાં પ્રત્યુતર નહીં મળે તો 8 એપ્રિલના રોજ નાછૂટકે જિલ્લા સેવા સદન મોરબીના ગ્રાઉન્ડમાં 34 લાભાર્થીઓ મકાન બનાવવાની કામગીરી શરૂ કરી દેશે તેવી ચીમકી પણ રજૂઆતના અંતે ઉચ્ચારવામાં આવી હતી.