મોરબીના કોંગ્રેસ અગ્રણીએ મહેન્દ્રનગરથી અણિયારી ચોકડી સુધી રોડ શો યોજવા પડકાર ફેંક્યો મોરબી : આવતીકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડા મોરબીમાં રોડ શો યોજનાર છે ત્યારે કોંગ્રેસ અગ્રણીએ મહેન્દ્રનગર થી અણિયારી ચોકડી સુધી જો ભાજપ રોડ શો કરે તો 200 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ તેવો પડકાર ફેંક્યો છે. મોરબીના કોંગ્રેસ અગ્રણી દેવેન્દ્રસિંહ જાડેજાએ રોશભેર જાહેર નિવેદનમાં જણાવ્યું છે કે, મોરબીમાં યોજાનાર ભાજપ અધ્યક્ષનો રોડ શો મહેન્દ્રનગરથી અણિયારી ચોકડી સુધી ભાજપ દ્વારા કરવામાં આવે તો એ બહાને નિંભર તંત્ર અને સતાધીશોની આંખ ઉઘડે અને ભાજપ પણ સતાનાં નશામાંથી બહાર નીકળી શકે તેમ છે. વધુમાં ઉમેર્યું હતું કે, આવતીકાલે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષનો મોરબીમાં રોડ શો યોજાવાનો છે ત્યારે મોરબી શહેરમાં રોડ રસ્તાનાં યુદ્ધનાં ધોરણે કામ થઈ રહ્યા છે. આવું જ કામ જો મોરબી ની પ્રજા માટે કર્યું હોત તો લોકોનાં હદયમાં સ્થાન પામ્યા હોત, પણ નહિ આ ભાજપને ખાલી માત્ર ને માત્ર ચૂંટણી લક્ષી કામોમાં અને પ્રચારમાં જ મજા આવે છે એ વાત સાબિત થાય છે. આજના યુવાનો બેરોજગારીથી ત્રસ્ત છે, પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે ત્યારે ભાજપ તાયફા અને પ્રચારમાં વ્યસ્ત છે. જો ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષનો રોડ શો મહેન્દ્રનગરથી અણિયારી ચોકડી સુધી કર્યો હોત તો પ્રજાનું પણ ભલું થાય કે ત્યાંનાં રોડ રસ્તા તો સારા થઈ જાત. આ તકે, ભાજપની નીતિ રિતી નો વિરોધ કરી જો જે.પી.નડ્ડા મહેન્દ્ર નગરથી અણિયારી ચોકડી સુધી રોડ શો કરે તો તેઓ અને તેમના સાથીદારો 200 મોટર સાઇકલ લઈ એમના સાથે અણીયારી ચોકડી સુધી જવા તૈયાર હોવાનું અંતમાં જણાવ્યું હતું.