ગ્રામ્ય વિસ્તારમાં પણ અનેક સ્થળોએ કમોસમી વરસાદ મોરબી : મોરબીમાં આજે શનિવારે સાંજે વતાવરણમાં આવેલા અચાનક બદલાવ બાદ કમોસમી વરસાદ વરસવાની સાથે આરટીઓ કચેરી નજીક બરફના કરા પડયા હતા. ઉપરાંત મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક જગ્યાએ માવઠું વરસ્યાના સમાચારો સાંપડી રહ્યા છે. સામાન્ય રીતે ચૈત્ર મહિનામાં દનૈયા તપતા હોય છે. પરંતુ મોરબી શહેર અને જિલ્લામાં આજે કોરોના મહામારી વચ્ચે કુદરતે માવઠું વરસાવ્યું હતું. આજે સવારથી વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ બાદ સાંજના સમયે મોરબી શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા માર્ગો ભીના થઈ ગયા હતા. બીજી તરફ આરટીઓ કચેરી નજીક આજે સાંજના સમયે બરફના કરા પડ્યા હતા. ઉપરાંત અન્ય વિસ્તારની તુલનાએ અહીં વધુ કમોસમી વરસાદ વરસતા રોડ ઉપર પાણી ચાલતા થઈ ગયા હતા.