વાંકાનેર તાલુકાના ભલગામ ગામે બનેલો બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ ગામે રહેતો પરિવાર કાકાની અંતિમક્રિયામાં ગયા બાદ બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 2.25 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ઉઠાવી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ ગામે રહેતા વિનોદભાઇ પ્રવીણભાઇ ડેંગડાના કાકાનું અકસ્માતમાં મૃત્યુ નિપજતા તેઓ પરિવાર સાથે ઘર બંધ કરીને કાકાને ત્યાં જતા પાછળથી તેમના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. વધુમાં થોડો સમય બંધ રહેલા મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી દરવાજાના નકુચા તોડી પહેલા રૂમમાં રાખેલ કબાટનો નકુચો તોડી સોનાના ઘરેણા આશરે 7 તોલા કી.રૂ.2.10 લાખ, ચાંદીના ઘરેણા આશરે 600ગ્રામ કી.રૂ.10,000 તથા રોકડા રૂ.5000 મળી કુલ રૂપિયા 2.25 લાખની ચોરી કરી ગયા હતા. ચોરીની આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે વિનોદભાઇ પ્રવીણભાઇની ફરિયાદને આધારે અજાણ્યા તસ્કર વિરુદ્ધ આઇ.પી.સી.કલમ- ૪૫૭, ૩૮૦ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.