લૂંટારુંઓએ છરીની અણીએ ચોકીદારને બેસાડી એક લાખથી વધુની રોકડ અને કોમ્યુટર મોનીટર લઈ નાસી ગયા બે દિવસ પૂર્વેની ઘટનામાં ફરિયાદ ન નોંધાઇ મોરબી : મોરબીના રવાપર - ઘુનડા રોડ ઉપર બે દિવસ પૂર્વે રાત્રીના સમયે ત્રાટકેલા લૂંટારુઓએ રાજ્યના પૂર્વ મંત્રીના ભાઈના ભરડીયાને નિશાન બનાવી ચોકીદારને છરી બતાવી એકાદ લાખની રોકડ અને કોમ્પ્યુટર મોનીટરની લૂંટ ચલાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે, આ મામલે હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી. જાણવા મળતી વિગતો મુજબ મોરબીની ભાગોળે બે દિવસ પૂર્વે ત્રણેક સ્થળોએ પથ્થર મારો કરી ધરફોડી ચોરીની ઘટનાને અંજામ આપનારી તસ્કર ટોળીએ જતા-જતા રવાપર ઘુનડા રોડ ઉપર રાજ્યના પૂર્વમંત્રી જયંતીભાઈ કવાડિયાના ભાઈ અંબારામભાઈ કવાડિયાના ગાયત્રી સ્ટોન નામના ભરડીયાને નિશાન બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. તસ્કરોએ અહીં વયોવૃદ્ધ ચોકીદારને છરીની અણીએ બેસાડી દઈ ઓફિસના કાઉન્ટરને ડિસમિસથી તોડી એક લાખથી વધુની રોકડ રકમ ઉપરાંત કોમ્પ્યુટર મોનીટર ઉઠાવી જઈ લૂંટને અંજામ આપ્યો હોવાનું ભરડીયા માલિક અંબારામભાઈ કવાડિયાએ મોરબી અપડેટ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. જો કે આ લૂંટની ઘટનામાં હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી પરંતુ એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જેઠવા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે વિઝીટ કરી ચોકીદાર પાસેથી લૂંટારુઓનું વર્ણન મેળવ્યું હોવાનું જાણવા મળે છે અને આ લૂંટની ઘટનાને પીએસઆઇએ સમર્થન આપી હજુ સુધી ગાયત્રી સ્ટોન દ્વારા ફરિયાદ કરવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યના પૂર્વમંત્રીના સ્ટોન ક્રશરને નિશાન બનાવ્યા બાદ આ લૂંટારું ટોળકીએ લાલપર ચોકડી પાસેથી મચ્છુ-૨ ડેમ તરફ જવાના રસ્તે કરિયાણાની એક દુકાનને પણ નિશાન બનાવી હોવાનું સામે આવ્યું છે, આમ મોરબીમાં તરખાટ મચાવનાર તસ્કર કમ લૂંટારું ટોળકીનું વધુ એક કારસ્તાન બહાર આવતા પોલીસે ગુપ્તરાહે બતમીદારોને કામે લગાડી લૂંટારુઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાનું સૂત્રો જણાવી રહ્યા છે.