ઘરધણી અગાસીએ સુવા ગયા ને તસ્કરોને મોકળો પટ્ટ મળ્યો મોરબી : મોરબીના નીચી માંડલ ગામે ઘરધણીને અગાસી ઉપર સુતા રાખી તસ્કરો મકાનની બારી તોડી રોકડા રૂપિયા 4 લાખ તેમજ સોના, ચાંદીના દાગીના સહિત રૂપિયા 4.75 લાખની માલમતા ઉસેડી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા ધીરુભાઈ તેજાભાઈ થરેસાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું છે કે ગત તા.12ની મોડીરાત્રીથી તા.13ની વહેલી સવાર દરમિયાન પતિ - પત્ની નીચે મકાન બંધ કરી અગાસી ઉપર સુવા ગયા તે દરમીયાન તસ્કરોએ તેમના મકાનની બારી તોડી રૂમમાં પડેલ કબાટમાંથી રોકડા રૂપિયા 4 લાખ ઉપરાંત, સોનાની બે વિટી, સોનાનો હાર, ચાંદીના સાંકડા સહિત કુલ 4.75 લાખની માલમતા ચોરી કરી ગયા હતા. ચોરીની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.