ગૃહમંત્રીની મોરબી મુલાકાતની રાત્રીએ જ પોલીસને પડકાર ફેંક્યો : મધુવન, રીલીફનગર અને શાંતિનગરમાં ચોરીમોરબી : મોરબીમાં રાજ્યના ગૃહમંત્રીની મુલાકાતની રાત્રીએ જ તસ્કરોએ પોલીસને પડકાર ફેંકી એક સાથે ત્રણ ત્રણ મકાનને નિશાન બનાવી ઘરધણીને પુરી દઈ ચોરીને અંજામ આપી 1.96 લાખની માલમતા ચોરી કરી જતા મધુવન, રીલીફનગર અને શાંતિવન સોસાયટીના રહેવાસીએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.મોરબીમાં થયેલી ત્રણ ત્રણ ચોરીની ઘટનાની વિગત જોઈએ તો નેશનલ હાઇવે ઉપર મધુવન સોસાયટીમાં રહેતા દીપકભાઈ ધીરજલાલ દલીચા ઉ.67 નામના વૃદ્ધે સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત તા.23ના રોજ રાત્રીના સમયે તેઓ પરિવાર સાથે નીચે મકાન બંધ કરી ઉપરના માળે સુતા હતા ત્યારે તસ્કરોએ બહારથી આગળીયો મારી ઘરમાં પુરી દઈ નીચેના માળે ચોરી કરી હતી જેમાં તસ્કરો સોનાની બંગડી, ચેઇન, મંગળસૂત્ર, બુટી તેમજ 40 હજાર રોકડ સહિત દોઢેક લાખની ચોરી કરી ગયા હતા.આ ઉપરાંત તસ્કરોએ આજ રાત્રીના રીલીફનગરમાં ફરિયાદીના મિત્ર દીપકભાઈ પ્રભુભાઈ મહેતાના ઘરમાં પણ ચોરી કરી હતી જ્યાંથી તસ્કરો ચાંદીના ઝાંઝરા, ચેઇન, ચિપ વાળા પાટલા સહિત 30 હજારથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત તસ્કરોએ નવલખી રોડ ઉપર આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા રામજીભાઈ માવજીભાઈ પરમારના ઘરને પણ નિશાન બનાવી સોનાના નાકના દાણા, ચાંદીના સાંકળા અને રોકડ સહિત સાતેક હજારની માલમતાની ચોરી કરી ગયાનું ફરિયાદમાં જાહેર કરાતા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.