ઘૂટું રોડ ઉપરની ઘટના : અગાઉની ચોરીની ઘટનામાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા તસ્કરોને મોકળું મેદાન મળ્યું મોરબી : મોરબીના ઘૂટું રોડ આવેલી દુકાનમાં 16 દિવસમાં બીજી વખત તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. અગાઉની ચોરીની ઘટનામાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા તસ્કરોને મોકળું મેદાન મળ્યું હોય તેમ બીજી વખત આ મોબાઈલની દુકાનમાં હાથફેરો કર્યો હતો. આથી વેપારીમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ ચોરીની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ધુટું રોડ ઉપર ચાર રસ્તા પેટ્રોલ પંપની સામે આવેલ આશાપુરા મોબાઈલ નામની દુકાનમાં ગઈકાલે તા.13 જુનના રોજ તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ આ દુકાનનું તાળું તોડીને કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી ગયા હતા. તેમજ દુકાનમાં માલ સમાન પણ વેરવિખેર કરી નાખ્યો હતો. જેમાં આજે દુકાન માલીકે દુકાન ખોલતાની સાથે આ ચોરીની ઘટના સામે આવી હતી. આ બાબતની વેપારીએ પોલીસને જાણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ દુકાનના ચોરીની ઘટના બની હતી. જેમાં ગત તા. 29 મેના રોજ પણ તસ્કરોએ આ દુકાનમાં હાથ માર્યો હતો. ત્યારે હવે બીજી વખત પણ ચોરી થઈ છે. આમ તસ્કરોએ 16 દિવસમાં બે વખત આ દુકાન તોડીને આશરે 40 હજારના મુદામાલની ચોરી કરી ગયા હતા. જો કે પ્રથમ વખત ચોરી ઘટના બાદ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા બીજી વખત પણ ચોરી ઘટના બનતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.