પાંચ શખ્સો ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા : ચાર ફલેટમાંથી આશરે રૂ.4 થી રૂ.5 લાખ રોકડા અને અઢી તોલા સોનાની ચોરી કરી ગયાનું પ્રાથમિક તારણ મોરબી : મોરબીના સામાકાંઠે ત્રાજપર પાસે આવેલ સીરામીક સોસાયટીમાં પાંચ જેટલા શખ્સોએ રીતસર તરખાટ મચાવીને મોટી માલમતા ઉસેડી ગયા હતા જેમાં તસ્કરો આ સોસાયટીના ચાર ફેલેટમાંથી આશરે રૂ.4 થી રૂ.5 લાખ રોકડા અને અઢી તોલા સોનાની ચોરી કરી ગયાનું પ્રાથમિક તારણ છે.આ મકાનમાં ચોરી કરતા પાંચ જેટલા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે.આ ચોરીના બનાવથી પોલીસના કહેવાતા સઘન નાઈટ પેટ્રોલીંગના દાવા સામે શંકાની સોય તકાય રહી છે. આ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે ત્રાજપર પાસે આવેલ સીરામીક સીટી સોસાયટીમાં ગત તા.11 ના રોજ મધરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને આ સોસાયટીન મકાનના તાળા તોડી અંદર પ્રવેશની તસ્કરોએ મોટો હાથ માર્યો હતો.આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ તસ્કરો ચાર ટાવરમાં ચાર ફેલટમાંથી આશરે રૂ.4 થી 5 લાખ રોકડા અને અઢી તોલા સોનાના દાગીના સહિતની મોટી માલમતા ઉસેડીને રફુચક્કર થઈ ગયા હતા.જ્યારે આ ફેલટમાં ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં આબાદ કેદ થઈ ગયા હતા અને પાંચ શખ્સોએ ચોરી કરી હોવાનું સીસીટીવી ફુટેજમાં દેખાઈ છે.આ ચોરીના બનાવથી સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને પોલીસના સઘન નાઈટ પેટ્રોલીંગના દાવા સામે સવાલો ઉઠાવ્યા હતા.