ઉંચી માંડલ ગામ પાસેના કોમ્પલેક્ષની પાંચ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવીને ચોરીનો પ્રયાસ કર્યાની ફરિયાદ મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ પાસે બુધવારની મોડીરાત્રે 10 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. જો કે આ દુકાનોમાંથી રોડક સહિતના મુદામાલની પણ ચોરી થઈ હતી. પરંતુ ત્યારે વધુ એક દુકાનોના તાળા તૂટવાની બનાવ સામે આવ્યો છે. જેમાં ઉંચી માંડલ ગામ પાસેના કોમ્પલેક્ષની પાંચ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે વેપારીઓએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે રાબેતા મુજબ તપાસ હાથ ધરી છે આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આશીષભાઈ લાલજીભાઈ અધારા ધંધો-વેપાર રહે.મોરબી નવા બસ સ્ટેશન સામે સ્વસ્તીક એપાર્ટમેન્ટ, સ્વસ્તીક સોસાયટી-૬૦૪ વાળાએ કોઇ અજાણ્યા માણસ સામે ફરિયાદ નોંધાવી હતી કે,તા.૧૭ના રોજ રાતના આશરે ત્રણ વાગ્યાથી સવારના છ વાગ્યા દરમ્યાન તળાવીયા શનાળા રોડ ઉપર આવેલ રાધે કોમ્પલેક્ષ તથા સતનામ કોમ્પ્લેક્ષ ઉંચીમાંડલ પાસે આવેલ ફરીયાદીની એરસન હાર્ડવેર એન્ડ ટુલ્સ નામની દુકાનના તથા આજુબાજુની દુકાનોવાળા ભાવીનભાઈ રાધવજીભાઈ બોપલીયા તથા સતીષ ભરતભાઈ સનાવડા ધવલભાઈ તેમજ બટુકભાઈ સનાવડા અને હાર્દિકભાઈ ભીખાભાઈ ઝાલરીયાની દુકાનના કોઇ અજાણ્યા માણસોએ શટર ઉંચા કરી અંદર પ્રવેશ કરી ચોરી કરવાની કોશિષ કરી નાશી ગયા હતા. જો કે બુધવારની મોડીરાત્રે જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ પાસે આવેલ કોમ્પલેક્ષની 10 દુકાનોના તસ્કરોએ તાળા તોડીને રોકડ તથા કિંમતી મુદ્દામાલની ચોરી કરી ગયાની જાણવા મળ્યું હતું. ત્યારે ઉંચી માંડલ ગામ પાસે આવેલ કોમ્પલેક્ષની પાંચ દુકાનીમાં ગત તા.17ના રોજ રાત્રે ચોરીનો પ્રયાસ થયાની ફરિયાદ નોંધાઇ છે. તેથી મોરબી પંથકમાં ઠંડી વધતાની સાથે તસ્કરોનો ખોફ પણ વધી ગયો હોવાનું દર્શાવે છે. પોલીસ આવી ઘટના બન્યા બાદ રાબેતા મુજબ જ તપાસ હાથ ધરે છે. ત્યારે ચોરીના બનાવો ન બને તે પહેલાં પોલીસ નાઈટ પેટ્રોલીગ સઘન બનાવે તેવી માંગ ઉઠી છે.