શરણેશ્વર રોડ ઉપર આવેલ શિવાલીક એપાર્ટમેન્ટમાં બે પિતરાઈ ભાઈઓના બંધ રહેણાંકને નિશાન બનાવાયું : ડોગ સ્ક્વોડ દોડી આવી હળવદ : હળવદ પોલીસને રોજે રોજ તસ્કર - લૂંટારુઓ લલકારી રહ્યાં હોય તેવી ઉપરા છાપરી ઘટનાઓમાં ગઈકાલે ધાડ, આજે નિંદ્રાધીન સગીરાનો ચોટલો કપાયાની ઘટના તાજી જ છે ત્યાં સાંજે સાડા પાંચ છએક વાગ્યાના અરસામાં તસ્કરોએ રહેણાંકને નિશાન બનાવી 1.85 લાખની ચોરી કરી નવા નિમાયેલા પીઆઇને પડકાર ફેંક્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હળવદ શહેરમાં સમી સાંજે થયેલી ચોરીની ઘટનાની વિગતો જોઈએ તો હળવદની મુખ્ય બજારમાં કંસારાની દુકાન ધરાવતા ધર્મેશભાઈ કંસારા અને તેમના પિતરાઈ કમલેશભાઈ કંસારા શહેરના શરણેશ્વર રોડ ઉપર આવેલ શિવાલીક એપાર્ટમેન્ટમાં રહેણાંક ધરાવે છે. દરમિયાન આજે સાંજે સાડા પાંચથી છ વાગ્યાના અરસામાં બન્ને ભાઈઓ પોતાની દુકાને હતા અને ઘરના મહિલા સભ્યો પણ દુકાને આવ્યા હોય થોડો સમય બંધ રહેલા બન્ને પિતરાઈ ભાઈઓના રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં ધર્મેશભાઈ કંસારાના ઘરમાંથી અંદાજે રૂ.85 હજારની રોકડ રકમ તેમજ તેમના પિતરાઈ કમલેશભાઈના ઘરમાંથી રોકડા રૂપિયા 1 લાખની ચોરી કરી તસ્કરો અદ્રશ્ય થઈ ગયા હતા. બીજી તરફ સમી સાંજે થયેલી મોટી રકમની ચોરીની ઘટનાની જાણ થતાં જ તાકીદે ડોગ સ્ક્વોડને હળવદ બોલાવી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હોવાનું જાણવા મળ્યું છે.