હિન્દુ મુસ્લિમ કોઈ પણ પરિવારને સાંજે મળશે શુદ્ધ શાકાહારી ભોજન (કેતન ભટ્ટી /હરદેવસિંહ ઝાલા) વાંકાનેર : વાંકાનેરમાં ભૂકંપ હોય કે પૂર કે પછી હાલનાં કોરોના જેવી મહામારી, સમાજ સેવકો હમેશાં જરૂરિયાતમંદ લોકોની વહારે ઉભા હોય છે, ત્યારે હાલ વાંકાનેરમાં પણ જ્યારે કોરોના કેસ વધી રહ્યા છે ઘણા બધા પરિવારો હોમ કોરનટાઇન થયા છે તેવા અનેક જરૂરિયાતમંદ પરિવારોની વહારે વાંકાનેરનું smp ગ્રૂપ આવ્યું છે, જે આવા પરિવારોને સાંજનાં એક સમયનું શુદ્ધ શાકાહારી ભોજન ઘેર ઘેર પહોંચાડશે. માજી ધારાસભ્ય શહિદ મંજૂર હુશેન પીરઝાદાનાં પુત્ર અને આ ગ્રૂપનાં સંચાલક સૈયદ મોઈન પીરઝાદાએ જણાવ્યું હતું કે smp ગ્રૂપ દ્વારા ખાસ કરીને હોમ કોરનટાઈન થયેલ જરૂરિયાત મંદ પરિવારોને સાંજનાં એક સમયે શુધ્ધ શાકાહારી ભોજન પહોંચાડશે, હિન્દુ મુસ્લિમ કોઈ પણ ભેદ ભાવ વિના ઘેર બેઠા ભોજન પહોંચાડવામાં આવશે, આ ગ્રૂપ છેલ્લા બે વર્ષથી કાર્યરત છે, હાલ પણ 100 જેટલા ટિફિન દરરોજ પહોંચાડવામાં આવે છે, વર્તમાન કોરોના અન્વયે હોમકોરનટાઈન પરિવારો ભારે તકલીફ અનુભવતા હોય છે, ત્યારે તેઓ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે, ગ્રૂપમાં 30 જેટલા કાર્યકરો સેવા આપે છે, ત્યારે આનાં ખર્ચ બાબતે જણાવ્યું હતું કે આવી નિઃસ્વાર્થ અને કોમી એખલાસ પૂર્ણ સેવા માટે દાતાઓ પણ ઉદાર હાથે સહયોગ આપે છે ત્યારે જરૂરિયાતમંદ લોકોએ મો. 99792 86786 અને 96380 04847 પર સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે.