કોરોના મહામારીને પગલે લકઝરી બસ, હોટલ, વોટર પાર્કની જેમ કારીગર વર્ગ અને રોજે રોજનું કમાઈ ખાતા વર્ગને રાહત આપવા હ્યુમન રાઈટ એસોસિએશનની માંગ મોરબી : કોરોનાની બીજી લહેર બાદ સરકારે લકઝરી બસના ટેક્સ માફ કરી હોટેલ, વોટરપાર્ક સહિતના મોટા બિઝનેસમેનોને પ્રોપર્ટી ટેક્સ સહિતની બાબતોમાં રાહત આપી છે ત્યારે એ જ તર્જ ઉપર નાના ધંધાર્થીઓ, મિસ્ત્રી, લુહાર, ચા, પાનના ધંધાર્થીઓ બેહાલ બન્યા હોય આર્થિક પેકેજ આપવા હ્યુમન રાઈટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજુઆત કરવામાં આવી છે. હ્યુમન રાઈટ એસોસિએશનના કાંતિભાઈ બાવરવાએ કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે, હોટેલો, રિસોર્ટ, રેસ્ટોરન્ટ અને વોટર પાર્કને પ્રોપર્ટી ટેક્ષ તેમજ વીજબીલમાં રાહત આપવામાંનો નિર્ણય કરાયો છે. એ જ રીતે કેન્દ્ર સરકાર દ્વારા મફત અનાજ સહિતના નિર્ણય લેવાયા છે જે ધન્યવાદને પાત્ર છે. આ સંજોગોમાં કોરોનાની બીજી લહેરના કારણે ઘણા નાના ધંધાર્થી કે જેઓને મફત અનાજ પણ મળવાનું નથી તેમજ કોઈ ટેકસ માફી પણ મળવાની નથી, કોઈ વીજળી બીલમાં રાહત પણ મળવાની નથી. તેઓના ધંધા પણ બંધ જ હતા. આ માંહેના કોઈ પણ હોટેલ રિસોર્ટ કે વોટર પાર્કના માલિક જેવા માલેતુજાર નથી. ઘણા નોકરિયાતોએ પોતાની નોકરીઓ ગુમાવી છે ઘણા નાના ધંધાર્થીના ધંધા બંધ થઇ જવા પામેલ છે. તેવા લોકો માટે સરકારમાં કેમ કઈ વિચારણા થતી નથી? તેવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે. વધુમાં ઘણા નાના ઉધોગકારો, કારીગરો, મજુરો, કડિયાઓ, સુતારકામ કરતા કારીગરો, દરજીઓ, વાણંદ, કેટરર્સ, મંડપ સર્વિસવાળા મજુરો, કલાકારો, લારીવાળા ધંધાર્થીઓ, પાનના ગલ્લાવાળા વગેરે ઘણો મોટો વર્ગ આમાં આવે છે. જેને કોઈ બાજુથી લાભ પણ મળવાનો નથી. તેવા લોકોને રાહત આપવા ખાસ માંગણી ઉઠાવવામાં આવી છે. રજૂઆતના અંતે દિવસે દિવસે વધતા પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવનો માર સહન કરતા પ્રજાજનો કોરોનામાં સપડાતા દવાનો ખર્ચ પણ થયેલ હોય આવા સંજોગોમાં ગરીબ મધ્યમવર્ગના લોકો માટે રાહત પેકેજ જાહેર કરી પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં રાહત મળે તેવા પગલાં ભરવા માંગ ઉઠાવી છે.