બે વર્ષથી સતત નોટિસો આપવા છતાં દબાણ ન હટતા અંતે સીટી મામલતદાર દ્વારા ઓપરેશન ડિમોલિશનમોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર ભક્તિનગર સર્કલ નજીક નયારા પેટ્રોલપંપ પાછળના ભાગે વર્ષોથી સરકારી જમીન પર ઉભી થઇ ગયેલી ઝૂંપડપટ્ટી પર અંતે આજે સીટી મામલતદારનું બુલડોઝર ફરી વળ્યું હતું. તંત્ર દ્વારા રવિવારે સવારે અંદાજે 1000 ચોરસ મીટર સરકારી જમીન પર ઉભા થયેલા 15 જેટલા કાચા પાકા દબાણ હટાવી દેવામાં આવતા દબાણકારોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.મોરબી શહેરના શનાળા રોડ પર ભક્તિનગર સર્કલ નજીક નયારા પેટ્રોલપંપના પાછળના ભાગે સરકારી ખરાબાની જમીન પર વર્ષોથી દબાણ ઉભા થઇ જતા મામલતદાર દ્વારા વર્ષ 2024મા દબાણ કેસ ચલાવી દબાણ હટાવવા હુકમ કરવામાં આવ્યા હતા.જો કે, આસામીઓ દબાણ નહિ હટાવતા વર્ષ 2025 બાદ મે 2026મા ફરી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા નોટીસ આપવામાં આવી હતી.તેમ છતાં ગેરકાયદે દબાણ દૂર ન થતા સીટી મામલતદાર દ્વારા આજે રવિવારે સવારે ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ હતું.પ્રોબેશનરી ડેપ્યુટી કલેકટર અને સિટી મામલતદાર પ્રશાંત ગઢવીએ જણાવ્યું હતું કે, અહીં 18 જેટલા આસામીઓ દ્વારા 15 કાચા અને પાકા દબાણ કરી કરોડોની કિંમતી સરકારી જમીન પર દબાણ ઉભા કરવામાં આવ્યા હોવાથી તમામ કાયદાકીય પ્રક્રિયા અનુસરી દબાણ હટાવવા માટે પૂરતો સમય આપવા છતાં દબાણકારોએ દબાણ નહિ હટાવતા અંતે આજે પોલીસ બંદોબસ્ત સાથે અંદાજે 1000 ચોરસ મીટર જમીન પરના દબાણ હટાવી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવતા આશરો છીનવાઈ જતા દબાણકારોએ તંત્ર સમક્ષ રોષ વ્યકત કર્યો હતો.