મોરબીના લાલપર ગામે બનેલો બનાવ બે મિત્રોએ ફ્લેટમાં ઘુસી હુમલો કર્યો મોરબી : મોરબીના લાલપર ગામની સીમમાં મિત્ર - મિત્ર વચ્ચે ગાળો આપવાના વ્યવહારમાં બે મિત્રો અન્ય મિત્ર ઉપર ગુસ્સે થઈ ગયા બાદ કટર અને ડિસમિસ વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ ખસેડવો પડ્યો છે અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ ઓરસન અજંતા એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ઓરિસ્સાના યુવાન સંતોષકુમાર રાધાકાંતભાઈ પાંડાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના જ મિત્ર એવા આકાશ ઓમપ્રકાશ ચૌધરી અને મહેશ લુહાર રહે. બન્ને શ્રીજી સીરામીક વાળાએ એક સંપ કરી તેમના પર કટર અને ડિસમિસ વડે હુમલો કર્યો હતો. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, ત્રણે મિત્રોને મસ્તીનો વ્યવહાર હોય ફરિયાદી સંતોષ કુમાર અવાર નવાર બન્ને આરોપીઓને ગાળો આપતા હોય તે બાબતનો ખાર રાખી બન્નેએ હુમલો કરતા ફરિયાદી સંતોષકુમારને ઇજાઓ પહોંચી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.