મોરબી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા લોકડાઉનનો આજે છઠ્ઠો દિવસ છે. ત્યારે સમગ્ર મોરબી જિલ્લામાં લોકડાઉનના સતત છઠ્ઠા દિવસે સેવાયજ્ઞ અવિરત ચાલુ છે. આ સેવાયજ્ઞમાં ઠેર-ઠેરથી સેવાભાવી સંસ્થાઓ તથા પરોપકારી લોકો જરૂરિયાતમંદોને સહાય કરી યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ, જલારામ પ્રાર્થના મંદિર, ભાજપ સહિતની અનેક સંસ્થાઓ કોઈ ભૂખ્યું ના રહે તેવા હેતુથી રાત-દિવસ જોયા વિના અથાગ પરિશ્રમ કરી રહી છે. જે ખૂબ પ્રસંસનીય છે. મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ કે જે સદાય સહાય કરવા માટે આગળ પડતું હોય છે. તેના દ્વારા આજે 500 જેટલી રાશન કીટનું ગરીબોને વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ અત્યાર સુધી કુલ 4500 જેટલી રાશન કીટ ગરીબોને વહેંચવામાં આવી છે. તેમજ મોરબીના જલારામ પ્રાર્થના મંદિર કે જ્યાં સામાન્ય દિવસોમાં તો સદાવ્રત ચાલે જ છે. પરંતુ લોકડાઉનમાં પણ લોકોને ઘરે-ઘરે ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે જલારામ મંદિર દ્વારા આશરે 3500 જેટલા લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. કોરોના મહામારીની મુશ્કેલીને અનુલક્ષીને જરુરીઆતમંદ લોકોને મોરબી ભાજપ પરિવાર તરફથી અલગ-અલગ વિસ્તારોમાં ગરીબ લોકોને રેશન કીટનું વિતરણ કરવામા આવ્યું હતું. તેમજ ભાજપ આગેવાનો દ્વારા 2000 જેટલા માસ્ક પોલીસ વિભાગમા અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, યુવા ઉદ્યોગપતિ જીજ્ઞેશ કૈલા તથા કેતનભાઈ મારવાણીયાની આગેવાની હેઠળ રાશન કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ મોરબીના સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ તરફથી જરૂરિયાતમંદ સારસ્વત બ્રાહ્મણને 50 જેટલી રાસન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીના યુવાનો એ વીસી ફાટક પાછળ આવેલ રોહિદાસપરા વોર્ડ ને.૨માં રહેતા ગરીબ નિરાધાર પછાત લોકોને ઘરે ઘરે જઈને જમવાનું ટીફીટ પહોંચાડી માનવતા મહેકાવી હતી. આ સેવાકાર્યમાં મનુભાઈ સારેસા, ધર્મેશભાઈ મકવાણા, સાવનભાઈ વાઘેલા, હરેશભાઈ ચૌહાણ, હસમુખભાઈ મકવાણા, અશોકભાઇ કાટિયા, સુખાભાઈ મકવાણા, મહેશભાઈ, સંજયભાઇ બાલાસરા વગેરે વ્યકિતઓ જોડાય ઉમદા કામગીરી સાથે સેવા પરમો ધર્મ સૂત્રને સાર્થક કર્યું હતું. ટંકારામા મરછોમાં મિત્ર મંડળ સમગ્ર માલધારી સમાજ દ્વારા ગરીબ પરીવાર માટે બપોરે તથા ટંકારા મુસ્લિમ સમાજના KGN ગ્રુપ દ્વારા સાંજે જમવાનું પહોંચાડવામાં આવે છે. મોરબીના સામા કાંઠા વિસ્તારમા આવેલ મિલન પાર્ક સોસાયટીના લોકો એ ઘર આંગણામાં ચૈત્રી નવરાત્રીના અનુસંધાને એકસાથે આરતી કરી કોરોના વાયરસ સામે રક્ષણ આપવા પ્રાર્થના કરી હતી. આમ, મોરબી સહીત વાંકાનેર, હળવદ, ટંકારા તથા માળીયા (મી.)માં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ પછાત વિસ્તારમાં તથા હોસ્પિટલોમાં જઈ જરૂરી સેવાઓ આપીને કોરોનના કારણે સર્જાયેલી કપરી પરિસ્થિતિમાં ચાલતા સેવાયજ્ઞમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.